UP By Election: યોગી આદિત્યનાથને અચાનક દિલ્હીનું તેડું કેમ આવ્યું, પીએમ મોદી સાથે શું થઈ ચર્ચા?
લખનૌઃ ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીને લઈ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે દિલ્હી પહોંચ્યા. પાટનગર દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પછી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વડા અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાને પણ મળ્યા. પીએમ મોદી અને સીએમ યોગીની વચ્ચે લગભગ સવા કલાક સુધી ચર્ચા ચાલી હતી.
આ પણ વાંચો : Yogi Adityanath ને જાનથી મારવાની ધમકી આપનાર મહિલાની મુંબઈ પોલીસે ધરપકડ કરી
રાજ્યની નવ બેઠકની પેટા ચૂંટણી થવાની છે, જ્યારે એની સાથે આજે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને યુપીમાં નુકસાન થયું હતું, તેથી અમુક બાબતોને ચૂંટણી સંબંધિત બાબતોની ચર્ચા માટે યોગીજીની દિલ્હી બોલાવ્યા હાઈ શકે છે, જ્યારે સીએમ યોગી અને નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે, તેથી એ બાબતને લઈને ચર્ચા થઈ હોઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણીઓની તૈયારી ચાલી રહી છે. રાજ્યમાં પેટાચૂંટણીના માહોલ વચ્ચે સદીઓ જૂની કહેવત ‘સંપ ત્યાં સહકાર’ મજબૂત રીતે ચરિતાર્થ થતી જોવા મળી રહી છે. અહીં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ આ પ્રખ્યાત પંક્તિની આસપાસ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પેટાચૂંટણીઓની જાહેરાત પહેલા જ ‘બટેગેં તો કટેંગે’ નું સૂત્ર આપ્યું હતું. તો વળી દેવરિયા જિલ્લાના એક સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાએ લખનૌમાં પાર્ટી કાર્યાલયની બહાર એક હોર્ડિંગ લગાવ્યું હતું, જેમાં ‘જુડેંગે તો જીતેંગે’ લખ્યું હતું. મહારાજગંજ જિલ્લાના એક અન્ય સપા કાર્યકર્તા દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સમાં લખ્યું છે ‘ન બટેંગે, ન કટેંગે, પીડીએ કે સંગ રહેંગે’ અને ‘પીડીએ જુડેગી ઔર જીતેગી’.
બસપા પણ આ નારાની હોડમાં કૂદી પડી છે. બસપાના વડા માયાવતીએ શનિવારે કહ્યું કે ‘બસપા સે જુડેંગે તો આગે બઢેંગે, સુરક્ષિત રહેંગે’. મહારાજગંજ જિલ્લાના એસપી કાર્યકર અમિત ચૌબેએ બે નારા બનાવ્યા હતા.
દેવરિયા જિલ્લાના સપા કાર્યકર વિજય પ્રતાપ યાદવે લખનૌમાં પાર્ટી કાર્યાલયની બહાર એક હોર્ડિંગ લગાવ્યું છે, જેના પર લખેલું છે કે ‘જુડેંગે તો જીતેંગે’. સપા કાર્યકર્તા રણજીત સિંહ દ્વારા મૂકવામાં આવેલા ત્રીજા પોસ્ટરમાં લખ્યું છે, ‘ના બટેંગે, ના કટેંગે, ૨૦૨૭ કો નફરત કરને વાલે નફરત કરેંગે. હિંદુ મુસ્લિમ એક રહેંગે તો નેક રહેંગે’.
આવા રાજકીય સૂત્રોના મનોવૈજ્ઞાનિક પાસા વિશે વાત કરતા લખનૌની નેશનલ પીજી કોલેજમાં મનોવિજ્ઞાન ભણાવતા પ્રદીપ ખત્રી જણાવે છે કે આ તમામ રાજકીય સૂત્રો નવા, આકર્ષક અને લોકોના મન પર ઊંડી અસર કરનારા છે. જેના કારણે લોકોના મગજ પર લાંબા સમય સુધી અસર રહે છે તેમ જ તેની અસર ચાલુ રહે છે.
આ પણ વાંચો : ‘CM યોગીના હાલ પણ બાબા સિદ્દીકી જેવા થશે’, ધમકી આપી રાજીનામાની માંગ
નોંધનીય છે કે કટેહરી(આંબેડકર નગર), કરહલ (મૈનપુરી), મીરાપુર (મુઝફ્ફરનગર), ગાઝિયાબાદ, મઝવાન (મિર્ઝાપુર), શીશમાઉ (કાનપુર શહેર), ખેર(અલીગઢ), ફુલપુર (પ્રયાગરાજ) અને કુંદરકી (મુરાદાબાદ)માં ૧૩ નવેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે ૨૩ નવેમ્બરના રોજ મતગણતરી થશે.