PM Modi in West Bengal: વડા પ્રધાન મોદી પશ્ચિમ બંગાળ પ્રવાસ દરમિયન સંદેશખાલી જશે,પીડિત મહિલાઓને મળશે
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના 24 પરગણા જીલ્લાના સંદેશખાલીમાં કથિત રીતે TMC નેતા અને કાર્યકર્તાઓ દ્વારા થતા અત્યારચાર સામે મહિલાઓ ન્યાયની માંગ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની 6ઠ્ઠી તારીખે સંદેશખાલીની મુલાકાત લેશે. સુત્રો દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે, જોકે આ અંગે સત્તાવાર રીતે જોઈ જાહેરાત કરવામાં આવી નથી. અહેવાલો મુજબ વડા પ્રધાન મોદી તેમની બંગાળ મુલાકાત દરમિયાન સંદેશખાલી હિંસા પીડિતોને મળશે. સંદેશખાલીની મુલાકાત લીધા બાદ બીજા જ દિવસે વડા પ્રધાન મોદી બીજેપીની મહિલા કાર્યકરો સાથે બેઠક કરશે. વડા પ્રધાન મોદીનો આગામી બંગાળ પ્રવાસ લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓને નક્કર આકાર આપવાનો છે. વડા પ્રધાન મોદીની પશ્ચિમ બંગાળની મુલાકાત પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ સંદેશખાલી હિંસા અંગે મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
સંદેશખાલી પર એક ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલને X પર શેર કરતા ભાજપે લખ્યું છે કે આ સત્ય છે જે જાણીને તમને દુઃખ થશે અને આ સત્ય છે જે તમારા અંતરાત્માને પણ હચમચાવી નાખશે. આ સંદેશખાલીનું સત્ય છે જેને મમતા બેનર્જી છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. સંદેશખાલીનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે સંદેશખાલી હિંસા પર રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. સંદેશખાલી મુદ્દે રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આ મુદ્દો ઘણો ગંભીર બની ગયો છે. આ ઘટના સંસ્કારી સમાજ માટે શરમજનક છે. મમતાજી હજુ પણ તેમનો બચાવ કરી રહી છે. કોર્ટના આદેશ પર શુભેન્દુ અધિકારી સંદેશખાલી ગયા અને મહિલાઓએ આંસુથી સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા, પરંતુ મમતાજી આ બાબતે શું અને શા માટે છુપાવી રહ્યાં છે?