
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસીય પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાના પહોંચ્યા. આ તેમની ઘાનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે, જે ભારત અને ઘાનાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં મહત્વનું પગલું છે. અકરાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તેમનું ભવ્ય સ્વાગત થયું, આ ઉપરાંત ઘાનાના રાષ્ટ્ર પ્રમુખ જૉન મહામાએ તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા.
વડા પ્રધાન મોદીનું ઘાનામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં કોટોકા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું સ્વાગત 21 તોપોની સલામી સાથે કરવામાં આવ્યું. રાષ્ટ્ર પ્રમુખ મહામાએ તેમને ‘ઑફિસર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઘાના’ એવોર્ડથી સન્માનિત કર્યા. મોદીએ આ સન્માનને 1.4 અબજ ભારતીયોના નામે સ્વીકાર્યું અને ઘાનાના લોકોનો આભાર માન્યો. તેમણે આ સન્માનને ભારતની સાંસ્કૃતિક વિવિધતા, યુવાઓની આકાંક્ષાઓ અને બંને દેશોના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કર્યું.
મહત્વના નિર્ણયો અને સહયોગ
આ યાત્રા દરમિયાન ભારત અને ઘાના વચ્ચે ચાર મહત્વના કરાર થયા, જેમાં સંસ્કૃતિ, પ્રમાણપત્ર, પરંપરાગત ચિકિત્સા અને ઉચ્ચ સ્તરીય સંવાદ માટે સમજૂતી કરારોનો સમાવેશ થાય છે. મોદીએ ઘાનાના ‘ફીડ ઘાના’ કાર્યક્રમમાં સહયોગ, ITEC અને ICCR શિષ્યવૃત્તિઓ બમણી કરવી, કૌશલ્ય વિકાસ કેન્દ્રની સ્થાપના અને જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તી આરોગ્ય સેવાઓની જાહેરાત કરી. આ ઉપરાંત, આતંકવાદ વિરુદ્ધ સહયોગ અને સંયુક્ત રાષ્ટ્ર સુધારણા પર પણ ચર્ચા થઈ.
ભારતનું આમંત્રણ અને ભવિષ્યની યોજના
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મહામાને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું અને ભારતીય સમુદાય સાથેની મુલાકાત માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે ઘાનાને પશ્ચિમ આફ્રિકામાં લોકશાહીની ‘આશાની કિરણ’ ગણાવી અને બંને દેશોના સામાન્ય મૂલ્યો અને સપનાઓ પર ભાર મૂક્યો. આ યાત્રા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.
આ પણ વાંચો…પીએમ મોદી પહોંચ્યા ઘાના, 21 તોપની સલામી આપી કરવામાં આવ્યું સ્વાગત