નેશનલ

‘PM મોદી AAPને ખતમ કરવા માગે છે, નકલી કેસ ચલાવી રહ્યા છે’ કેજરીવાલનો આક્ષેપ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટી (AAP)ને નષ્ટ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને પાર્ટીના નેતાઓ પર ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.

કેજરીવાલે આ દાવાઓ AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને તેમના નિવાસસ્થાને મળ્યા બાદ કર્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે EDએ ખાન અને કેટલાક અન્ય લોકો વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં AAP વિધાન સભ્યના સ્થાનો પર દરોડા પાડી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી અને ત્રણ-ચાર જગ્યાઓમાં સર્ચ કરવામાં આવ્યું હતું.

AAPના વિધાન સભ્ય અમાનતુલ્લા ખાનને મળ્યા બાદ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમારા નેતાઓ વિરુદ્ધ કુલ 170 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાંથી 140માં ચુકાદા આપવામાં આવ્યા છે, જે અમારા પક્ષમાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાથી કેન્દ્ર સરકારે અમારા નેતાઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. AAPને ખતમ કરવાના અભિયાનના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ED અથવા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ભારતીય જનતા પાર્ટી દ્વારા શાસિત રાજ્યોમાં કોઈ તપાસ કરી રહી નથી.

તેમણે દાવો કર્યો હતો કે ભાજપનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર ખતમ કરવાનો નથી, પરંતુ વિપક્ષી નેતાઓને પરેશાન કરવાનો છે. કેજરીવાલે કહ્યું હતું કે, “અમે જોયું છે કે જે લોકોને મોદીજી ભ્રષ્ટ કહેતા હતા તે લોકો હવે ભાજપનો ભાગ બની ગયા છે. તેઓએ વિપક્ષી પાર્ટીમાંથી ભ્રષ્ટ લોકોની ભરતી કરી છે. AAP દેશભક્તોની પાર્ટી છે. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં ભયનું વાતાવરણ છે. લોકો ભારત છોડીને બીજા દેશોમાં જઈ રહ્યા છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button