અયોધ્યા: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ PM મોદીએ આજે પહેલીવાર અયોધ્યાની મુલાકાત લીધી હતી. PM મોદીએ સૌથી પહેલા રામલલ્લાના દર્શન કર્યા હતા. મંદિરમાં વડા પ્રધાન મોદી રામલલ્લાના સાષ્ટાંગ દંડવત નમન કર્યા હતા. આ પછી તેમણે રોડ શો યોજ્યો છે, UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે છે.
PM મોદી ફૈઝાબાદ લોકસભાની સીટ પરથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં રોડ શો કર્યો છે. અયોધ્યામાં પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થશે. ફૈઝાબાદમાં પાંચમા તબક્કામાં મોહનલાલગંજ, લખનૌ, રાયબરેલી, અમેઠી, જાલૌન, ઝાંસી, હમીરપુર, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, કૈસરગંજ અને ગોંડામાં પણ મતદાન થશે.
આ પહેલા આજે એટલે કે રવિવારે તેમણે સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતા ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ઇટાવામાં જનસભાને સંબોધતા પીએમએ કહ્યું કે મોદી રહે કે ના રહે, દેશ હંમેશાં રહેશે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી શું કરી રહી છે? તેઓ તેમના ભવિષ્ય અને તેમના બાળકોના ભવિષ્ય માટે ચૂંટણી લડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બસપા (બહુજન સમાજવાદી પાર્ટી)એ અયોધ્યા (ફૈઝાબાદ લોકસભા મતવિસ્તાર)થી પોતાના ઉમેદવાર તરીકે બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. BSPમાં જોડાયા બાદ માયાવતીએ અયોધ્યાથી આંબેડકર નગરના ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સચ્ચિદાનંદ પાંડે ‘સચિન’ને ટિકિટ આપી છે. બીજી તરફ ભાજપે આ સીટ પર લલ્લુ સિંહ અને સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધને અવધેશ પ્રસાદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.