
નવી દિલ્હી: મોદી સરકાર ભારતમાં રેલવે મુસાફરીને આધુનિક બનાવવા સતત પ્રયત્નો કરી રહી છે, જેમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express train) કેન્દ્ર સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. વડા પ્રધાન મોદી ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં રેલ કનેક્ટિવિટી વધારવા માટે ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો લોન્ચ કરશે.
નવી ત્રણ વંદે ભારત ટ્રેનો હાલમાં કાર્યરત 100 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના નેટવર્કમાં જોડાશે, આ ત્રણ ટ્રેનો કુલ 280 થી વધુ જિલ્લાઓને જોડશે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. તેમાંથી એક વંદે ભારત ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી નાગરકોઈલ, બીજી મદુરાઈથી બેંગ્લોર કેન્ટ અને ત્રીજી મેરઠ સિટીથી લખનઉ સુધી દોડશે.
ચેન્નઈ સેન્ટ્રલ થી નાગરકોઈલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન:
ચેન્નઈથી નાગરકોઇલ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનનું ચેન્નઈ સેન્ટ્રલથી ફ્લેગ ઓફ કરવામાં આવશે, પરંતુ ત્યાર બાદ ચેન્નાઈ એગમોરથી નિયમિતપણે દોડશે. આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયાના દરેક દિવસે દોડશે. આ વંદે ભારત ટ્રેન સેવા યાત્રાળુઓને અરુલમિગુ મીનાક્ષી અમ્માન મંદિર, મદુરાઈ અને કુમારી અમ્માન મંદિર, કન્યાકુમારીની સુધી પહોંચવા સુવિધા આપશે.
મદુરાઈ થી બેંગલુરુ કેન્ટોનમેન્ટ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન:
મદુરાઈ અને બેંગલુરુ કેન્ટોનમેન્ટ વચ્ચે વંદે ભારત ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ વંદે ભારત સેવા તમિલનાડુના મદુરાઈ શહેરને કર્ણાટકની રાજધાની મેટ્રોપોલિટન શહેર બેંગલુરુ સાથે જોડશે.
મેરઠ શહેર થી લખનઉ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન:
મેરઠ સિટીથી લખનઉ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રવિવારે લખનઉથી અને સોમવારે મેરઠથી તેની નિયમિત સેવા શરૂ કરશે. તે મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ વંદે ભારત ટ્રેન દિગંબર જૈન મંદિર, મનસા દેવી મંદિર, સૂરજકુંડ મંદિર અને અઘધનાથ મંદિર જેવા તીર્થસ્થળો સુધી સુલભ મુસાફરી પૂરી પાડીને પ્રદેશમાં ધાર્મિક પ્રવાસનને વેગ આપશે.