વડાપ્રધાન મોદી આ તારીખે યુએસ મુલાકાતે જશે; ટેરીફ મામલે ટ્રમ્પને આપશે સીધો જવાબ?

વડાપ્રધાન મોદી આ તારીખે યુએસ મુલાકાતે જશે; ટેરીફ મામલે ટ્રમ્પને આપશે સીધો જવાબ?

નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરીફ લાદ્યા અને ભારતના અર્થ તંત્ર પર નકારાત્મક ટીપ્પણી કર્યા બાદ ભારત અને યુએસના સંબંધોમાં તિરાડ આવતી જણાઈ રહી છે.

વડાપ્રધાન મોદીએ હજુ સુધી ટ્રમ્પને સીધો જવાબ આપ્યો નથી, એવામાં અહેવાલ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં યુએસની મુલાકાતે (PM Modi to Visit US) જઈ શકે છે.

એક અહેવાલ મુજબ વડાપ્રધાન સપ્ટેમ્બરમાં આયોજિત યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UNGA)ના સેશનમાં હાજરી આપવા યુએસ જશે, અહેવાલ મુજબ વડાપ્રધાન UNGAમાં સંબોધન પણ આપશે. UNએ એસેમ્બલીમાં વક્તાઓની કામચલાઉ યાદી જાહેર કરી છે, જેમાં ‘ભારત સરકારના વડા’નો સમાવેશ થાય છે.

આ દિવસે UNGAમાં વડાપ્રધાનનું સંબોધન:
UN જનરલ એસેમ્બલીના 80મા સેશનની હાઈ લેવલ જનરલ ડિબેટ 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ન્યુ યોર્ક સ્થિત તેના હેડક્વાટરમાં યોજાવાની છે, જેમાં પરંપરાગત રીતે બ્રાઝિલ સત્રની શરૂઆત કરશે અને ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ આવશે.

યુએનએ જાહેર કરેલી યાદી અનુસાર, ભારતના સરકારના વડા 26 સપ્ટેમ્બરની સવારે એસેમ્બલીને સંબોધિત કરવાના છે. ઇઝરાયલ, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ દેશના વડા પણ એ દિવસે એસેમ્બલીને સંબોધીત કરશે.

ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદ્યા બાદ વડાપ્રધાન મોદીની પહેલીવાર યુએસ મુલાકાતે જવાના છે, આ દરમિયાન ટ્રમ્પ સાથે બેઠક થાય તેવી કોઈ શક્યતા નથી. પણ UNGAમાં વડાપ્રધાનના સંબોધન પર સૌની નજર રહેશે

ટ્રમ્પનું સંબોધન:
મહત્વની વાત એ છે એકે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ UNGAના આ સેશનને સંબોધિત કરવાના છે, આ વર્ષની શરૂઆતમાં બીજી વાર યુએસ રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ UNGAમાં તેમનું પ્રથમ સંબોધન હશે. ટેરીફને કારણે ઘણા દેશો ટ્રમ્પથી નારાજ છે, ત્યારે વિશ્વભરના દેશોના પ્રતિનિધિઓ સામે તેમનું સંબોધન ખુબ મહત્વનું રહેશે.

પણ વાંચો…વડાપ્રધાન મોદીએ ટેરીફ મુદ્દે ટ્રમ્પને આપ્યો આડકતરો જવાબ; જાણો શું કહ્યું

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button