
નવી દિલ્હી: નાસાના એક્સિઓમ-4 મિશન અંતર્ગત અવકાશમાં ગયેલા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અન્ય ૩ ક્રૂ મેમ્બર્સની ઘરવાપસી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર 18 દિવસની યાત્રા બાદ તેઓ પૃથ્વી પર પરત ફર્યા છે. 22.5 કલાકની યાત્રા બાદ સ્પેસક્રાફ્ટ કેલિફોર્નિયાના સમુદ્ર તટ સેન ડીએગો પર ઉતર્યું હતું.
આ પહેલાં શુક્લા, કમાન્ડર પેગી વ્હિટસન, મિશન નિષ્ણાત પોલેન્ડના સ્લાવોજ ઉજનાન્સ્કી-વિસ્નીવ્સ્કી અને હંગેરીના ટિબોર કાપૂને લઈને આવી રહેલું ડ્રેગન ‘ગ્રેસ’ અવકાશયાન ભારતીય સમયાનુસાર સોમવારે સાંજે 4:45 વાગ્યે અવકાશ સ્ટેશનથી અલગ થઈ ગયું હતું.
વડાપ્રધાન મોદીએ હર્ષ વ્યક્ત કર્યો
ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના અન્ય ત્રણ અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પરથી પૃથ્વી પર પરત ફર્યા છે. ISS પર તેમની આ 18 દિવસની યાત્રા હતી. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના હેમખેમ પૃથ્વી પર પરત ફરવા બદલ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “આ આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે.”

ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું, ‘હું સમગ્ર દેશ સાથે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું સ્વાગત કરું છું, જેઓ તેમના ઐતિહાસિક અવકાશ મિશનથી પૃથ્વી પર પાછા ફર્યા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે તેમણે તેમના સમર્પણ, સાહસ અને અગ્રણી ભાવનાથી કરોડો સપનાઓને પ્રેરિત કર્યા છે. આ આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે.’