PM Modi આજે કરશે ઓટો એક્સપોનું ઉદ્ઘાટન, 100થી વધુ વાહનોનું થશે લોન્ચિંગ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરશે. દિલ્હી એનસીઆરામાં 3 જગ્યા પર ઓટો એક્સપો શરૂ થઈ રહ્યો છે. ઓટો એક્સપો 17 થી 22 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં ઇલેક્ટ્રિક વાહનો પર ભાર આપવાની સાથે નવી ગાડીઓ ઉપરાંત 100થી વધુ વાહનો લોન્ચ થવાની આશા છે. આજે મીડિયા દિવસ છે, આવતીકાલે ડીલર દીવસ છે અને તે બાદ 19 થી 22 જાન્યુઆરી સુધી આમ આદમી માટે ખુલ્લો રહેશે.
શું છે થીમ અને ખાસિયત
આ એક્સપોમાં લોકોને એક જ છત નીચે અલગ અલગ પ્રકારના વાહન અને ગાડીઓ સાથે જોડાયેલી દરેક ચીજ જોવા મળશે. આ વખતે એક્સપોની થીમ Beyond Boundaries: Co-creating Future Automotive Value Chain છે. આ વખતના ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોની ખાસિયત ઓટો કંપોનેંટ્સથી લઈ કન્સ્ટ્રકશન ઇક્વિપમેન્ટ, સાઇકલ અને ફ્યૂચર મોબિલિટી ટેક્નોલોજી સાથે જોડાયેલા કુલ 9 એક્સપો એક સાથે યોજાઈ રહ્યા છે.
Also read: ‘ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે’, ઓડિશાથી પીએમ મોદીનો દુનિયાને સંદેશ
ટાટા મોટર્સ પર રહેશે નજર
ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025માં આજે રજૂ થનારા તમામ નવા ઉત્પાદનોમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર મારુતિ સુઝુકીની ઈ વિટારા, હુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રિક, એમજી સાઇબરસ્ટર અને સુઝુકી ઈ એક્સેસ હોઈ શકે છે. આ ઉપરાંત લક્ઝરી કાર બનાવતી કંપનીઓ મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયા, બીએમડબલ્યુ ઈન્ડિયા, પોર્શ ઈન્ડિયા પણ તેમની પ્રોડક્ટ રજૂ કરશે. ટાટા મોટર્સ અને વીઈ કોમર્શિયલ વ્હીકલ્સ તેમના વ્હીકલ લાવશે. ટુ વ્હીલર સેગમેન્ટમાં હીરો મોટોકોર્પ અને સુઝુકી ઈન્ડિયા પર નજર રહેશે.