
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ સાથે ફોન પર વાત કરીને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વડા પ્રધાને બાંગ્લાદેશ લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ થવા માટે ભારતના સમર્થનનું પુનરાવર્તન કર્યું છે.
ઉપરાંત પ્રોફેસર યુનુસે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા અને રક્ષણની ખાતરી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપતા કહ્યું કે તેમણે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર સાથે વાત કરી અને તમામ લઘુમતીઓના હિતોની રક્ષા પર ભાર મૂક્યો. તેમણે એમ પણ કહ્યું કે ભારત બાંગ્લાદેશ સાથેના મજબૂત સંબંધોને વધુ સુધારવા માટે હંમેશા તૈયાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે “બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસને ફોન કર્યો હતો. વર્તમાન પરિસ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનને દોહરાવ્યુ,” તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓનું રક્ષણ અને સુરક્ષાની ખાતરી આઆપી હતી.
આ પણ વાંચો: બાંગ્લાદેશ અને બંગાળ બળાત્કાર કેસ વિષે વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું?
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ યુનુસના નેતૃત્વની વચગાળાની સરકારના હાથમાં બાંગ્લાદેશની સત્તાની દોર છે. યૂનુસની શપથવિધિ બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી અને બાંગ્લાદેશના હિંદુ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આહ્વાન કર્યું હતું.
સાથે જ સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં વ્યાપેલી હિંસાની પરિસ્થિતિ ટૂંક જ સમયમાં જ સામાન્ય થવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓ બાંગ્લાદેશમાં હિંદુ અને લઘુમતીઓની સ્થિતીને લઈને ચિંતિત છે.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ દેશના હિન્દુ ધર્મના લોકો વિરુદ્ધ હિંસામાં વધારો થયો છે. નોકરીઓમાં અનામત પ્રથાને લઈને સરકાર સામે વ્યાપક વિરોધને પગલે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ હસીનાએ 5 ઓગસ્ટે દેશ છોડી દીધો હતો અને ભારત આવી પહોંચ્યા હતા.
‘બાંગ્લાદેશ નેશનલ હિન્દુ ગ્રાન્ડ એલાયન્સ’ નામના બિન-રાજકીય હિન્દુ સંગઠને દાવો કર્યો છે કે 5 ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી લઘુમતી સમુદાયે 48 જિલ્લામાં 278 સ્થળોએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. સંગઠને તેને ‘હિંદુ ધર્મ પર હુમલો’ ગણાવ્યો છે.