નેશનલ

સ્વચ્છ ભારત ઝુંબેશ સમૃદ્ધિનો નવો રસ્તો બની રહ્યો છે: વડા પ્રધાન મોદી…

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારત સરકારની સ્વચ્છ ભારત ઝુંબેશને એકવીસમી સદીની સૌથી મોટી અને સૌૈથી સફળ નાગરિકોની ચળવળ ગણાવતાં કહ્યું હતું કે તેની અસર નાગરિકોના આરોગ્ય અને સમૃદ્ધિ પર જોવા મળી રહી છે.

આ પણ વાંચો :PM મોદીને મળેલી ‘ગિફ્ટ’ આ રીતે બનશે તમારાં ‘ડ્રોઈંગ’ રૂમની શાન: ફટાફટ આ રીતે કરો અપ્લાઈ !

સ્વચ્છ ભારત ઝુંબેશને 10 વર્ષ પૂરા થયા તે નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આ ઝુંબેશમાં સામૂહિક ભાગીદારીએ તેને દેશની સમૃદ્ધિની નવી દિશામાં લઈ જવાનું કામ કર્યું છે.

તમે લોકોએ સ્વચ્છ ભારત ઝુંબેશને સફળ બનાવી છે, એમ જણાવતાં વડા પ્રધાને નોંધ્યું હતું કે ‘સેવા પખાવાડા’ નિમિત્તે આયોજિત 27 લાખ કાર્યક્રમોમાં કુલ 28 કરોડથી વધુ લોકો સહભાગી થયા હતા.

તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનો, પ્રધાનો અને અન્ય પ્રતિનિધિઓએ મહત્ત્વની ભૂમિકા આ રાષ્ટ્રીય ઝુંબેશમાં નિભાવી છે. ભારતને સ્વચ્છ કરવા માટે સતત પ્રયાસો આવશ્યક છે.

આ કાર્યક્રમમાં વડા પ્રધાને સ્વચ્છ ભારત ઝુંબેશ અને અમૃત 2.0 ઝુંબેશ હેઠળ રૂ. 10,000 કરોડના કામનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં કેટલાંક રાજ્યોમાં જળ અને સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું હતું કે જ્યારે એકવીસમી સદીની વાત થશે ત્યારે 1000 વર્ષ બાદ પણ સ્વચ્છ ભારત ઝુંબેશનો ઉલ્લેખ થશે એવી આ ઝુંબેશની અસર છે.

તેમણે એવી ટીકા કરી હતી કે કેટલાંક રાજ્યો મૂળભૂત સ્વચ્છતાની અવગણના કરી રહ્યા છે. તેઓને ગંદકી અને શૌચાલયની અછત ક્યારેય રાષ્ટ્રીય મુદ્દો લાગ્યો નહોતો, જાણે કે તેમણે ગંદકીને તેમના જીવનનો ભાગ બનાવી દીધો હતો.

વડા પ્રધાન તરીકેના મારા કાર્યકાળનું પહેલું કામ સામાન્ય માણસના જીવનને સરળ બનાવવાનું હતું. હું શૌચાલય અને સેનેટરી પેડ્સ માટે બોલતો હતો અને આજે આપણે તેનાં પરિણામો જોઈ શકીએ છીએ.

તેમણે કહ્યું હતું કે એક દાયકા પહેલાં 60 ટકા લોકોને જાહેરમાં શૌચ કરવાની ફરજ પડતી હતી અને તેમણે આને દલિતો, પછાત વર્ગ અને આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું હતું અને મહિલાઓ માટે અસુવિધાજનક હોવાનું કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્વચ્છ ભારત ઝુંબેશને કારણે વર્ષે 60,000થી 70,000 બાળકોના જીવ બચી રહ્યા છે. જ્યારે યુનિસેફના અહેવાલમાં સંકેત આપ્યો છે કે 90 ટકાથી વધુ મહિલાઓ ઘરમાં શૌચાલય બાંધવામાં આવ્યા હોવાથી સુરક્ષા અનુભવી રહી છે.

વધુમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સ્વચ્છ ભારત ઝુંબેશને 2014થી 2019 સુધીમાં ડાયેરિયાને કારણે થનારા મૃત્યુ ઘટાડીને 3,00,000 બાળકોનો જીવ બચાવવાનું શ્રેય આપ્યું છે

આસામમાં ચાર બાયો-ગેસ એકમનો શિલાન્યાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુધવારે આસામમાં ઓઈલ ઈન્ડિયા લિ. દ્વારા ચાર કમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આખા દેશમાં કેટલાક બાયો-ગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. નવી દિલ્હીથી વડા પ્રધાને વર્ચ્યુઅલી કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આસામમાં ગુવાહાટી, જોરહાટ, સિવાસાગર અને તિનસુકિયા ખાતે બાયો-ગેસ પ્લાન્ટ સ્થપાશે. વડા પ્રધાને કહ્યું હતું કે ગોબર ગામડાઓમાં પરિવર્તન લાવી રહ્યા છે. સેંકડો બાયો-ગેસ પ્લાન્ટ દેશનાં ગામડાઓમાં સ્થપાઈ રહ્યા છે. પહેલાં ગોબરનું શું કરવું તેની સમસ્યા હતી. હવે આ બાયો-ગેસ પ્લાન્ટ આવતાં ગોબરનો નિકાલ થશે. આવી જ રીતે ઉંમરને કારણે અથવા બિનઉત્પાદકતાને કારણે નકામા થઈ જતા ગાય અને બળદ પણ ખેડૂતો માટે તેમના ગોબરને કારણે ઉપયોગી રહેશે.

તેમણે એવી માહિતી આપી હતી કે દરેક પ્લાન્ટ 125 ટન પાલિકાનો ઘનકચરાનો નિકાલ કરવા સક્ષમ હશે અને આ કચરામાંથી બે ટન બાયોગેસ પ્રતિદિન તૈયાર થશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં બધાં જ બાંધકામોમાં રિસાયક્લિગં ફરજિયાત બનાવીને ઓછામાં ઓછો કચરો નીકળે તેનું ધ્યાન રાખવાનું રહેશે.

મધ્ય પ્રદેશમાં ગૌશાળાનું ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં લાલ ટિપારા ગૌશાળાનું બાયો-સીએનજી પ્લાન્ટ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બાયોગેસ પ્લાન્ટની ક્ષમતા રોજના 100 ટન ગોબરનો ઉપયોગ કરીને ત્રણ ટન ગેસ ઉત્પાદનની છે. આ ભારતની પહેલી આધુનિક અને સ્વાવલંબી ગૌશાળા છે, એમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત આ પ્લાન્ટમાંથી 20 ટન ઉચ્ચ ગુણવત્તાનું ખાતર તૈયાર થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button