નેશનલ

સંદેશખાલીના મુદ્દે વડા પ્રધાન મોદીનું મમતા બેનરજી પર ટીકાસ્ત્ર: આખો દેશ રોષથી ભભૂકી રહ્યો હોવાનો દાવો

આરામબાગ (પશ્ર્ચિમ બંગાળ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ર્ચિમ બંગાળની ટીએમસી (તૃણમુલ કૉંગ્રેસ) સરકારની સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારોને મુદ્દે અત્યંત આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે આખો દેશ આ મુદ્દે રોષથી ભભૂકી રહ્યો છે.

આવી જ રીતે સંદેશખાલીના અત્યાચારોના મુદ્દે ગંભીર મૌન ધારણ કરી લેવા બદલ વિપક્ષી મોરચા ‘ઈન્ડિયા’ ગઠબંધનની પણ ઝાટકણી કાઢી હતી.

હૂગલી જિલ્લાના આરામબાગ ખાતે એક જાહેર સભાને સંબોધતાં મોદીએ આગામી લોકસભાનું બ્યૂગલ ફૂંક્યું હતું અને જણાવ્યું હતું કે બંગાળના લોકો આ મતદાન કરતી વખતે તેમને આપવામાં આવેલા જખમોનો જવાબ આપશે. (ચોટ કા જવાબ વોટ સે દેના હૈ)

પશ્ર્ચિમ બંગાળની સરકારની સિદ્ધિઓમાં આખો દેશ અત્યારે બંગાળની હાલત જોઈ રહ્યો છે. જે પાર્ટી (ટીએમસી) ‘મા, માતી આણી માનુષ’ના ઢોલ પીટે છે તેના રાજમાં સંદેશખાલીની બહેનો સાથે કેવા અત્યાચાર થઈ રહ્યા છે તે જોઈને આખા દેશમાં દુ:ખ અને રોષની લાગણી ભભૂકી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

2011માં સત્તામાં આવ્યા ત્યારથી મમતા બેનરજીએ પોતાની જાતને ‘મા, માતી આણી માનુષ’નો ખિતાબ આપ્યો છે.
સંદેશખાલીની બહેનો સાથે ટીએમસીએ જે કર્યું છે તે અત્યંત શરમજનક બાબત છે, એમ તેમણે એક રેલીને સંબોધતાં જણાવ્યું હતું.

19મી સદીના મહાન સમાજ સુધારક રાજા રામમોહન રાયનું જન્મસ્થળ ખાનાકુલ મોદીની સભાના સ્થળથી નજીક છે તેનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે અત્યારે રાયનો આત્મા જ્યાં હશે ત્યાં દુ:ખી હશે અને બંગાળની સ્થિતિને જોઈને આંસુ સારતો હશે.

ટીએમસીના નેતાઓએ સંદેશખાલીમાં અત્યાચાર અને હિંસાની બધી જ હદો વટાવી દીધી છે. સંદેશખાલીની મહિલાઓએ મમતા પાસે મદદ માગી હતી અને તેમણે શું કર્યું? તેમણે મદદ કરવાને બદલે તેમના નેતાઓને બચાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી, એમ મોદીએ જણાવ્યું હતું.

વડા પ્રધાને એવો દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓ દ્વારા સાતત્યપૂર્ણ રીતે દેખાવો અને વિરોધ પ્રદર્શન કર્યા હોવાથી વહીવટીતંત્રને આખરે સંદેશખાલીના લોકો સમક્ષ ઝુકવું પડ્યું હતું અને બે મહિનાથી ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

મોદી ટીએમસીમાંથી સસ્પેન્ડ કરાયેલા અને ધરપકડ કરાયેલા નેતા શાહજહાન ખાનની વાત કરી રહ્યા હતા.

અંદાજે પંચાવન (55) દિવસ સુધી પોલીસને હાથતાળી આપ્યા બાદ ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ટીએમસી સરકાર પર બધા જ સ્તરે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં મોદીએ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ની ઝાટકણી કાઢતાં સંદેશખાલીના અત્યાચારો બાબતે ચુપ્પી પર તેમની સરખામણી ગાંધીના ત્રણ બંદર સાથે કરી હતી, જેઓ તેમના આંખ, કાન અને મોં બંધ કરીને બેઠા છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button