PM Modi એ કહ્યું આગામી ચૂંટણીઓમાં એનડીએ વિપક્ષને હરાવવા કટિબદ્ધ

નવી દિલ્હી : દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપે સત્તા મેળવી છે. જ્યારે આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા અને નાયબ મુખ્યમંત્રી તરીકે પરવેશ વર્માએ શપથ ગ્રહણ કર્યા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક નેતાઓ અને એનડીએ શાસિત રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા.
એનડીએ વિપક્ષને હરાવશે તેવો આશાવાદ
દિલ્હીના સીએમના શપથ ગ્રહણ સમારોહ બાદ પીએમ મોદીની આગેવાનીમાં એનડીએના નેતા સાથે બેઠક યોજાઇ હતી. જેમાં પીએમ મોદીએ આગામી વર્ષોમાં જ્યાં પણ ચૂંટણી યોજાશે ત્યાં એનડીએ વિપક્ષને હરાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આપણ વાંચો: આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની છેઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા
ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
આ બેઠકની મળતી માહિતી મુજબ, એનડીએની બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે એનડીએ એકજૂથ છે બધા વિકસિત ભારત માટે કામ કરીશું અને સાથે મળીને આ લક્ષ્ય પ્રાપ્ત કરીશું. આ બેઠકમાં એનડીએ નેતાઓએ પીએમ મોદીને મહારાષ્ટ્ર અને દિલ્હીની જેમ દરેક ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બિહારમાં વર્ષ 2025ના અંતમાં વિધાનસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, હવે બિહારમાં વર્ષ 2025ના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. વર્ષ 2026 માં આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. તેની બાદ વર્ષ 2027 માં ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે.