મણિશંકર અય્યરના નિવેદન પર વડાપ્રધાનનો પલટવાર “મરવા પડેલા લોકો દેશના મનને પણ મારી રહ્યા છે”

નવી દિલ્હી : વડાપ્રધાન નરેંદ્ર મોદીએ (Narendra Modi)ઓરિસ્સાના કંધમાલમાં કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના (Mani Shankar Aiyar) “એટમ બોમ્બ”ના નિવેદન પર નિશાન સાધ્યું હતું. લોકસભા ચૂંટણીને લઈને એક સભાને સંબોધતા કહ્યું હતું કે આ મરવા પડેલા લોકો દેશના મનને પણ મારી રહ્યા છે. કોંગ્રેસે બસ દેશને ડરાવવાનું જ કામ કર્યું છે.
કોંગ્રેસનાં નેતા મણિશંકર અય્યરના નિવેદન પર પલટવાર કરતાં નરેંદ્ર મોદીએ કહ્યું હતું કે, “આજથી 26 વર્ષ પહેલા અટલજીની સરકારમાં પરમાણુ પરીક્ષણ કરીને ભારતે દુનિયાને પોતાનું સામર્થ્ય બતાવ્યુ હતું. જ્યારે કોંગ્રેસ દેશને ડરાવી રહી છે, તેઓ દેશના લોકોને કહી રહ્યા છે કે સંભાળીને રહો પાકિસ્તાન પાસે પણ એટમ બોમ્બ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, દેશના લોકોને પાકિસ્તાનથી ડરાવવાની કોઈ જરૂર નથી, પાકિસ્તાન તેના બોમ્બ વેચવાની કગારે ઊભું છે.
તેમણે કહ્યું હતું કે દેશ એ ક્યારેય નહીં ભૂલે કે આતંકવાદીઓ પર પગલાં લેવાની બદલે આમની પાર્ટીઓ આતંકવાદી સંગઠનોની સાથે મીટીંગો કરતી હતી. 26/11ના હુમલા બાદ કોંગ્રેસની સરકાર પાસે તાકાત નહોતી કે આતંકવાદ વિરુધ્ધ પગલાં લે. તેમની આ નીતિને કારણે જ કાશ્મીરે 60 વર્ષ સુધી આતંકવાદ સહન કરવો પડ્યો હતો. કોંગ્રેસે તેનું ફળ ભોગવવું પડશે, વિરોધ પક્ષ તરીકેની માન્યતા તો શું તે આ ચૂંટણીમાં 50 સીટ પણ નથી મેળવી શકવાની.