
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi)28 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધનના કાર્યક્રમમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન વાર્ષિક સામાન્ય ચર્ચામાં સંબોધન નહીં કરે. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ જયશંકર સંબોધન કરે તેવી શક્યતા છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ વક્તાની સુધારેલી કામચલાઉ યાદીમાંથી આ વાત સામે આવી છે. વડાપ્રધાન આ મહિનાના અંતમાં ન્યૂયોર્કની મુલાકાતે જવાના છે. તે લોંગ આઇલેન્ડમાં 16,000 સીટ નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે 22 સપ્ટેમ્બરે એક વિશાળ જનમેદનીને સંબોધન કરવાના છે.
જયશંકર હવે પીએમ મોદીની જગ્યાએ 28 સપ્ટેમ્બરે સંબોધન કરશે
યુએન મહાસભાના 79મા સત્રની સામાન્ય ચર્ચા માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા જુલાઈમાં બહાર પાડવામાં આવેલી કામચલાઉ યાદીમાં કહેવામાં આવ્યું હતું કે મોદી 26 સપ્ટેમ્બરે ઉચ્ચ સ્તરીય ચર્ચામાં નિવેદન આપશે. જો કે, શુક્રવારે જાહેર કરવામાં આવેલી સુધારેલી કામચલાઉ યાદી અનુસાર, વિદેશ મંત્રી જયશંકર હવે પીએમ મોદીની જગ્યાએ 28 સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય ચર્ચામાં સંબોધન કરે તેવી શક્યતા છે. જનરલ એસેમ્બલી અને કોન્ફરન્સ મેનેજમેન્ટના અંડર-સેક્રેટરી-જનરલ મૂવ્સ એબેલિયન દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક નોંધ સૂચિ સાથે જાહેર કરવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સત્ર 24 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રની સામાન્ય ચર્ચા આ વર્ષે 24 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. પરંપરાગત રીતે 24 સપ્ટેમ્બરના રોજ ઉચ્ચ સ્તરીય સત્રની શરૂઆત થશે. બ્રાઝિલ ચર્ચામાં પ્રથમ વક્તા હશે. બીજા વક્તા અમેરિકા હશે, જેના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન યુએન પ્લેટફોર્મ પરથી સભ્ય દેશોના નેતાઓને તેમના કાર્યકાળનું છેલ્લું સંબોધન આપશે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સામાન્ય ચર્ચાની શરૂઆત પહેલા તેમનો અહેવાલ રજૂ કરશે.
વિશ્વના નેતાઓ ભવિષ્ય માટે સંધિ અપનાવવા સંયુક્ત રાષ્ટ્રમાં ભેગા થશે
ત્યાર બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રના પ્રમુખ દ્વારા સંબોધન કરવામાં આવશે. આ સત્ર પહેલાં ગુટેરેસ 22-23 સપ્ટેમ્બર દરમિયાન ‘સમિટ ફોર ધ ફ્યુચરઃ મલ્ટિલેટરલ સોલ્યુશન્સ ફોર એ બેટર ટુમોરો’નું આયોજન કરશે. આ સમિટ દરમિયાન, વિશ્વના નેતાઓ ભવિષ્ય માટે સંધિ અપનાવવા સંયુક્ત રાષ્ટ્રમાં ભેગા થશે. જેમાં વૈશ્વિક ડિજિટલ કરાર અને ભાવિ પેઢીઓ પર ઘોષણા પૂરક ભાગ તરીકે સામેલ હશે.
ન્યૂયોર્કમાં પીએમ મોદીના કાર્યક્રમમાં 24 હજારથી વધુ ભારતીયો હાજર રહેશે
પીએમ મોદીના કાર્યક્રમમાં 24,000 થી વધુ NRI એ લોંગ આઇલેન્ડના કાર્યક્રમમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ઇન્ડિયન-અમેરિકન કોમ્યુનિટી ઑફ યુએસએ (IACU) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘મોદી અને યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ પ્રોગ્રામ માટે નોંધણી સમગ્ર યુ.એસ.માંથી 590 સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. જે તમામને ‘વેલકમ પાર્ટનર્સ’ તરીકે સાઇન અપ કરવામાં આવી છે.