રોજગાર યોજના, સમૃદ્ધ ભારત અને જીએસટી મામલે શું બોલ્યાં પીએમ મોદી? | મુંબઈ સમાચાર

રોજગાર યોજના, સમૃદ્ધ ભારત અને જીએસટી મામલે શું બોલ્યાં પીએમ મોદી?

નવી દિલ્લીઃ નવી દિલ્લીમાં આજે ધામધૂમથી 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે વડાપ્રધાન મોદીએ અનેક મોટી વાતો કરી છે. વિકસિત ભારતના સ્વપ્ન સાથે તેમણે યુવા માટે રોજગારીનો પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે યુવાનો માટે એક લાખ કરોડની યોજના લાગુ કરવા જઈ રહ્યાં છીએ. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના આજથી લાગુ થઈ રહી હોવાનું પણ પીએમ મોદીએ કહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારા યુવાનોને સરકાર 15,000 રૂપિયા આપશે. કંપનીઓને પ્રોત્સાહન પણ આપવામાં આવશે. આ યોજના સાડા ત્રણ કરોડ યુવાનોને રોજગારી મળશે. રોજગારી સાથે સાથે પીએમ મોદીએ જીએસટી મામલે પણ ખુલાસો કર્યો હતો.

દિવાળી પર GST સુધારાની ભેટ મળશેઃ પીએમ મોદી

લાલ કિલ્લા પરથી ભાષણ આપતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આ દિવાળી પર ભારતવાસીઓને ખૂબ મોટી ભેટ મળવાની છે. 8 વર્ષ પહેલાં અમે GST લાગુ કરીને સુધારાની શરૂઆત કરી હતી. હવે અમે તેની સમીક્ષા કરી છે. દરેક રાજ્યો સાથે આ બાબતે ચર્ચા પણ કરી છે’. દિવાળી પર GST સુધારાની ભેટ મળવાની છે. જેના કારણે GSTમાં નોંધપાત્ર ઘટાડો થશે, લોકોને રાહત મળશે. હવે દિવાળી બાદ લોકોને જીએસટીમાં મોટી રાહત મળવાની હોવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

કોઈની લકીર નાની કરવામાં તમારી ઉર્જા ના બગાડોઃ પીએમ મોદી

વધુમાં પોતાના ભાષણમાં કહ્યું કે, કોઈની લકીર નાની કરવા માટે આપણી શક્તિનો પ્રયોગ ના કરવો જોઈએ. આપણે આપણી ઉર્જાનો શક્તિનો ઉપયોગ આપણી લકીરને લાંબી કરવા માટે કરવાનો છે. મૂળ રીતે પીએમ મોદીએ સીધી રીતે વિદેશી તાકતો પર પ્રહાર કર્યો છે. તેઓ પરોક્ષ રીતે કહેવા માંગે છે કે, હવે ભારત કોઈના દબાવમાં ક્યારેય આવશે નહીં. હવે ભારત પોતાની શક્તિ પોતાના દેશ માટે જ વાપરશે તેવું નરેન્દ્ર મોદી રહેવા માંગે છે.

લાલ કિલ્લા પરથી પાકિસ્તાનને આપ્યો સીધો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ફરી એકવાર પાકિસ્તાનને જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતે નક્કી કરી લીધું કે હવે લોહી અને પાણી એકસાથે નહી વહે! દેશવાસીઓને એ ખબર પડી છે કે સિંધુ સમજૂતી કેટલી અન્યાયી હતી. દેશની નદીઓનું પાણી દુશ્મનની ધરતીને સિંચી રહી છે અને અમારા ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે. તે હવે બંધ થઈ જવાનું છે. ભારત કોઈ પણ પ્રકારે હવે પાછી પાની કરશે નહીં!

ખેડૂતો અને માછીમારોને પીએમ મોદીએ આપી મોટી ભેટ

પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોને પણ મોટી ભેટ આપતી જાહેરાત કરી છે. પીએમ મોદીએ કિસાનો માટે પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની આજથી જાહેરાત કરી દીધી છે. ભાષણમાં કહ્યું કે, ખેડૂતો અને માછીમારો સાથે થતા અન્યાય અને હાનિકારક નીતિઓ સામે મોદી દિવાલની જેમ ઉભો રહેશે. હવે ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના સંબંધમાં કોઈ પણ સમાધાન સ્વીકારશે નહીં’.

RSSને વિશ્વની સૌથી મોટી NGO છેઃ પીએમ મોદી

આ સાથે સાથે પોતાના ભાષણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ ખૂબ જ વખાણ કર્યાં હતાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે, RSSને વિશ્વની સૌથી મોટી NGO છે. RSS પાસે 100 વર્ષની ભવ્ય સેવા છે. સંઘની આ 100 વર્ષની સેવા પર દેશ ગર્વ અનુભવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વર્ષોથી રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરી રહ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button