
અબુજા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ત્રણ દેશોના પ્રવાસ દરમ્યાન આજે નાઈજીરિયા પહોંચ્યા હતા. ભારતીય વડાપ્રધાનની 17 વર્ષમાં આફ્રિકન દેશની આ પ્રથમ મુલાકાત છે. અબુજા એરપોર્ટ પર પહોંચતા જ પીએમ મોદીનું નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુએ સ્વાગત કર્યું હતું. નાઇજીરીયાના ફેડરલ કેપિટલ ટેરીટરી ના મંત્રી, નાયસોમ ઇઝેનવો વાઇકે વિશ્વાસ અને સદ્ભાવનાના સંકેત તરીકે પીએમ મોદીને અબુજાની સાંકેતિક “કી ટુ ધ સિટી” ભેટ આપી હતી. આ મુલાકાત આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારત અને નાઈજીરીયા વચ્ચેના વધતા સંબંધોનું પ્રતીક છે.
ભારતીય સમુદાયના લોકોએ સ્વાગત કર્યું
નાઈજીરિયામાં ભારતીય સમુદાયના સભ્યો પણ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદીના આગમનની સાથે જ તેઓએ ભારતીય ધ્વજ લહેરાવ્યો અને નારા લગાવ્યા હતા.વિદેશ મંત્રાલયે સ્વાગતના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે તે નાઈજીરીયાના લોકો દ્વારા વડાપ્રધાનને આપવામાં આવેલ આવકાર તેમના પ્રત્યે સન્માનને દર્શાવે છે. પીએમ મોદીની પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રની ઐતિહાસિક મુલાકાતના મહત્વ પર ભાર મૂકતા વિદેશ મંત્રાલયે સ્વાગતનો વિડીયો પણ શેર કર્યો હતો.
પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગત પર પ્રતિક્રિયા આપી
જ્યારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, નાઇજિરીયામાં ભારતીય સમુદાય દ્વારા તેમના સ્વાગતની તસવીરો શેર કરી. પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષણ “હૃદયસ્પર્શી” હતી. પીએમ મોદીએ કહ્યું, નાઈજીરીયામાં ભારતીય સમુદાયનું આટલું ઉષ્માભર્યું અને ઉત્સાહપૂર્ણ સ્વાગત જોઈને આનંદ થાય છે.
Also Read – એકસ્ટ્રા અફેર: સની ટોરન્ટોને ક્લીન ચિટ, કૅનેડા આતંકીઓને કંઈ નહીં કરે