નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત નેતાઓ-મહાનુભાવો દિલ્હીમાં ‘સદૈવ અટલ’ ખાતે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 99મી જન્મજયંતિના અવસરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું હતું કે તેઓ જીવનભર રાષ્ટ્રનિર્માણને વેગ આપવા માટે વ્યસ્ત રહ્યા હતા. ભારતમાતા પ્રત્યેનું તેમનું સમર્પણ અને સેવા અમૃતકાળમાં પણ પ્રેરણાસ્ત્રોત બની રહેશે. આ સાથે જ પીએમ મોદીએ તેમણે અટલજી સાથે વિતાવેલા સંસ્મરણો તાજા કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો.
પીએમ મોદી સહિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ, સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, સંચાર તથા રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર તથા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ જોડાયા હતા. તમામ નેતાઓએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ પણ સંસદ ભવન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી, તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘અટલ જી આપણા સૌના પ્રેરણામૂર્તિ છે.’
X પરની અન્ય એક પોસ્ટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે લખ્યું હતું કે, “હું ભારતીય રાજનીતિના શિખર, અમારા પથદર્શક, પૂર્વ વડા પ્રધાન, ‘ભારત રત્ન’ અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. રાષ્ટ્રીય ઉત્થાન અને જનસેવા માટે સમર્પિત તમારું સમગ્ર જીવન હંમેશા અમારી પ્રેરણા બની રહેશે.”
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તથા રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ પણ વાજપેયીજીને યાદ કર્યા હતા. ભજનલાલ શર્માએ રાજસ્થાનમાં આયોજીત અટલજીને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે “જ્યારે અમારી (ભાજપ) પાસે સંસદમાં માત્ર બે બેઠકો હતી, ત્યારે તેમણે (અટલ બિહારી વાજપેયીએ) વિપક્ષોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે એક દિવસ એવો આવશે જ્યારે દેશ તેમની પર હસશે અને ભાજપ કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતી સાથેની સરકાર બનાવશે.”
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના સન્માનમાં આજના દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઉજવાય છે. 23 ડિસેમ્બર 2014ના રોજ વાજપેયીજી અને પંડિત મદન મોહન માલવીયને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગણાતા મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એ પછી મોદી સરકારે જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારીજીની જન્મ જયંતિને ભારતમાં પ્રતિ વર્ષ સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવશે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને યાદ કરવામાં આવ્યા હતા.