નવી દિલ્હીઃ કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને અરુણાચલ સુધી દેશવાસીઓએ આજે સ્વતંત્રતા દિવસની કુદરતી આફતો વચ્ચે પણ દેશવાસીઓએ ધામધૂમથી ઉજવણી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી બારમી વખત તિરંગો ફરકાવ્યો અને દેશને સંબોધ્યો હતો.
103 મિનિટના સંબોધનમાં ઓપરેશન સિંદૂરથી લઈને મિશન સુદર્શન ચક્ર સુધી તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અનેક વચનો પણ આપ્યા અને એની સાથે રાષ્ટ્રીય સ્વયંસવેક (આરએસએસ)નો પણ ઉલ્લેખ કર્યો હતો.
આરએસએસના નિવેદનને લઈ વિપક્ષે પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસની સાથે સમાજવાદી પાર્ટીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. જાણીએ આજના સંબોધનની વિગતો અને વિપક્ષોની પ્રતિક્રિયાઓ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના 100 વર્ષના ગૌરવશાળી ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ એના મુદ્દે રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા)એ વડા પ્રધાન મોદીની ટીકા કરી હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે 100 વર્ષમાં દેશના નિર્માણમાં આરએસએસની મહત્ત્વની ભૂમિકા ભજવી, જેને સંઘને દુનિયાની સૌથી મોટી કલ્યાણકારી સ્વૈચ્છિકસંસ્થા બતાવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુકાનદારો અને વેપારીઓને અપીલ કરતા કહ્યું કે પોતાની દુકાનો બહાર એવા બોર્ડ લગાવો, જ્યાં લખવામાં આવે કે ફક્ત ભારતીય ઉત્પાદનો વેચે છે. સ્વદેશી અર્થાત્ ભારતમાં ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ મજબૂરીમાં નહીં, પરંતુ દેશની તાકાતના રુપે કરવો જોઈએ. આત્મનિર્ભર ભારત પર જોર મૂક્યો હતો.
પીએમ મોદીનું ભાષણ જૂનું, નીરસ અને કંટાળાજનકઃ કોંગ્રેસ
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે પીએમ મોદી પોતાના પદે રહેવા માટે આરએસએસની દયા અને સરસંઘચાલક મોહન ભાગવતના આશીર્વાદ પર નિર્ભર છે, તેથી તેમણે સંઘને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે.
વ્યક્તિગત અને સંગઠનનો લાભ મેળવવા માટે સ્વતંત્રતા દિવસનું રાજકીયકરણ કર્યું છે. તેમણે લખ્યું હતું કે વડા પ્રધાનનું ભાષણ જૂનું, નીરસ અને કંટાળાજનક હતું. આરએસએસનું નામ લાલ કિલ્લા પરથી લેવાનું હતું, જે બંધારણીય, ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાકની ભાવનાનું ઉલ્લંઘન છે.
આરજેડી અને સમાજવાદી પાર્ટીએ પણ મોદીના ભાષણની ટીકા કરી
દરમિયાન આરજેડીના નેતા મનોઝ ઝાએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણને વખોડ્યું હતું. ઉપરાંત, સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે અમુક ઈતિહાસકારો કહે છે કે આ સંગઠન અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેથી ભારતને ધર્મના આધારે વિભાજિત કરી શકાય, જેથી હિંદુઓ અને મુસલમાનોમાં તિરાડ ઊભી થઈ શકે.
આજના ભાષણના મહત્ત્વના મુદ્દાઓ
આઝાદીના મહાપર્વના સંકલ્પનો મોટો તહેવાર છે. સામૂહિક સિદ્ધિઓનું મહાપર્વ છે. દેશની એકતાની ભાવનાને મજબૂતાઈ આપે છે
કુદરત આપણી પરીક્ષા લઈ રહી છે. કુદરતી આફતનો લોકો સામનો કરી રહ્યા છે, પીડિતોની સાથે અમારી સંવેદના છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બચાવ અને રાહત કાર્યમાં ખડેપગે તૈયાર છે.
ઓપરેશન સિંદૂર ગુસ્સાની અભિવ્યક્તિ છે અને સેનાને છૂટ આપવામાં આવી છે. આપણી સેનાએ એવું પરાક્રમ કરીને બતાવ્યું છે, જે અનેક દાયકાઓ સુધી ભૂલી શકાશે નહીં.
દેશમાં છ સેમી કન્ડક્ટર યુનિટનો પાયો નાખવામાં આવ્યો છે અને આ વર્ષના અંત સુધીમાં મેડ ઈન ઈન્ડિયા એટલે ભારતમાં નિર્માણ કરેલી ચિપ્સ માર્કેટમાં આવશે.
ભારતની મિશન ગ્રીન હાઈડ્રોજનમાં હજારો કરોડો રુપિયાનું રોકાણ કર્યું છે. પરમાણુ ઊર્જામાં 10 નવા પરમાણુ રિએક્ટરમાં કામ કરે છે. પરમાણુ ઊર્જાથી મોટા પરિવર્તન આવશે.
એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »