ગાઝા મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોની પીએમ મોદીએ પ્રશંસા કરી, કહ્યું શાંતિના પ્રયાસોને સમર્થન

નવી દિલ્હી : ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 2 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ યુદ્ધ સમાપ્ત કરવાના સંકેત આપ્યા છે. જયારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી છે. તેમણે એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નિર્ણાયક પ્રગતિ માટે અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વનું સ્વાગત કરીએ છીએ. બંધકોની મુક્તિના સંકેતો એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત કાયમી અને ન્યાયી શાંતિના તમામ પ્રયાસોને મજબૂત સમર્થન આપવાનું ચાલુ રાખશે.”
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, હમાસ ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે માની ગયું છે. તેમજ આ અંગે એક યોજના પણ તૈયાર કરી છે. જે અંગે હમાસ અને ઇઝરાયલ સંમત થયા છે. તેમજ ઇઝરાયલ ગાઝા પર હુમલા બંધ કરશે.

ઇઝરાયલ ગાઝા પર હુમલા બંધ કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલને લઈને ઇઝરાયલે જણાવ્યું છે કે, તે ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાની યોજનાના પહેલા તબક્કાને લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની શરતો પ્રમાણે ઇઝરાયલ ગાઝામાં હુમલા અટકાવી દેશે અને ગાઝાના મોટાભાગના વિસ્તારમાંથી હટી જશે. સાથોસાથ તે સેંકડો ફિલિસ્તાની કેદીઓને પણ છોડી દેશે અને માનવીય મદદ અને પુન:નિર્માણની પરવાનગી આપશે.
વિસ્તાર આંતરરાષ્ટ્રીય શાસન હેઠળ લાવી દેવામાં આવશે
આ ઉપરાંત ગાઝાની બહોળી વસ્તીને બીજા દેશોમાં સ્થળાંતર કરવાની યોજના રદ્દ કરવામાં આવશે. અંદાજીત 20 લાખ ફિલિસ્તાનીઓનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય શાસન હેઠળ લાવી દેવામાં આવશે. જેની દેખરેખ સ્વયં ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ બ્રિટીશ વડા પ્રધાન ટોની બ્લેયર રાખશે.
આ પણ વાંચો…ઇઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્તિના આરે? ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો, હમાસ કરાર માટે સંમત