સ્થૂળતા સામેના વડાપ્રધાન મોદીના અભિયાનને FSSAI અને CBSE નો ટેકો; રાજ્યોને આપ્યા નિર્દેશ…

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે ખુબ કાળજી રાખે છે અને દેશવાસીઓને પણ સતત જાગૃત કરતા રહે છે. માર્ચ મહિનામાં તેમના ‘મનકી બાત’ પોડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ દેશમાં વધતી જતી સ્થૂળતાની સમસ્યા સામે અભિયાન શરુ કરવાની અપીલ (PM Modi about obesity) કરી હતી. તેમણે લોકોને નાના નાના પ્રયાસો હાથ ધરીને સ્થૂળતા ઘટાડવાની સલાહ આપી હતી. વડા પ્રધાને 10 જાણીતા લોકોને ખોરાકમાં તેલની માત્રા ઘટાડવા ચેલેન્જ આપી હતી.
વડાપ્રધાન મોદીના સ્થૂળતા સામેના અભિયાન માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI) પણ એક્શનમાં આવ્યું છે. FSSAIએ રાજ્યોને સ્થૂળતા ઘટાડવા અને તેલ અને ખાંડનો વપરાશ ઘટાડવા સૂચનાઓ આપી છે. CBSE એ પણ આ વિશે જાગૃતિ લાવવા માટે એક પહેલ શરૂ કરી છે.

તેલની માત્રા ઘટાડવા રાજ્યોને આદેશ:
FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નક્કર પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. FSSAI જાહેર કરેલી સુચનામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખોરાકમાં તેલનો વપરાશ 10 ટકા ઘટાડવા અને સંતુલિત આહારને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે.
FSSAI એ તેની 47મી સેન્ટ્રલ એડવાઇઝરી કમિટી (CAC) ની બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રને સ્થૂળતા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને ગંભીરતાથી લેવા અપીલ કરી છે. ઉપરાંત, આ સમસ્યાના ઉકેલ માટે નક્કર અને વ્યાપક પગલાં લેવા પણ અપીલ કરી છે.
રાજ્યોમાં ઈટ રાઈટ ઈન્ડિયા (Eat right India) અભિયાનને મજબૂતીથી લાગુ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. 47મી CAC બેઠકમાં 60 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને આરોગ્ય માટે સામૂહિક પ્રયાસો પર સર્વસંમતિ સધાઈ હતી. FSSAI આ માટે ટેકનિકલ મદદ, તાલીમ અને જરૂરી સંસાધનો પૂરા પાડશે.

CBSEએ પણ અભિયાનને સાથ આપ્યો:
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) એ ખાંડ(Sugar)ના વપરાશને ઘટાડવાના મહત્વને સમજાવવા માટે શાળાઓમાં ‘સુગર બોર્ડ’ ઇન્સ્ટોલ નિર્દેશ આપ્યો છે. નિષ્ણાતોના મત મુજબ કે આ પગલા વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાંડના વપરાશ વિશે જાણકારી મળશે. CBSE ની આ પહેલનો ઉદ્દેશ્ય દેશમાં વધતી જતી બાળપણની સ્થૂળતા, ટાઇપ-2 ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડર જેવી સમસ્યા ઘટાડવાનો છે.
આપણ વાંચો : પીએમ મોદીએ મન કી બાતમાં ઓપરેશન સિંદૂર, સિંહની વસ્તી ગણતરીનો કર્યો ઉલ્લેખ; વાંચો બીજું શું કહ્યું