ઇન્ટરનેશનલનેશનલ

PM Modi 16 થી 21 નવેમ્બર આ 3 દેશોના પ્રવાસે જશે, જાણો વિગત

PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વિદેશ પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, વડાપ્રધાન 16-17 નવેમ્બર, 2024 દરમિયાન નાઇજીરિયાની મુલાકાત લેશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઇજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન ભારત અને નાઇજીરીયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે વધુ માર્ગો પર ચર્ચા કરવા માટે વાતચીત કરશે. તેઓ નાઇજીરિયામાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.

વડાપ્રધાન જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 18-19 નવેમ્બર દરમિયાન રિયો ડી જાનેરોની યાત્રા કરશે. વડાપ્રધાન 19-21 નવેમ્બર સુધી ગુયાનાની સત્તાવાર મુલાકાત લેશે. 1968 પછી ગુયાનાની આ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રીની મુલાકાત હશે. ગુયાનાના જ્યોર્જટાઉનમાં વડાપ્રધાન બીજા કેરિકોમ-ભારત શિખર સંમેલનમાં પણ ભાગ લેશે અને કેરિકોમના સભ્ય દેશોના નેતાઓ સાથે બેઠક કરશે.

બ્રાઝિલમાં યોજાનારી જી-20 શિખર મંત્રણા દરમિયાન પીએમ મોદી અનેક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ઉપસ્થિત રહેશે. બંને નેતાઓ વચ્ચે સત્તાવાર વાતચીત થવાની શક્યતા ઓછી છે. જો કે, તેમની વચ્ચે અનૌપચારિક મુલાકાત થવાની સંભાવના છે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પણ મળવાના છે.

આ પણ વાંચો :કોંગ્રેસ શાસિત રાજ્યો પાર્ટીના ‘શાહી પરિવાર’નાં એટીએમ, એમવીએ ભ્રષ્ટાચારનું પ્રતીક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…

ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી આફ્રિકા ખંડના વિવિધ દેશો સાથે સતત પોતાના સંબંધોને મજબૂત કરી રહી છે. આવી સ્થિતિમાં નાઇજીરિયાનું ભારત માટે વિશેષ મહત્વ છે, કારણ કે તે માત્ર આફ્રિકામાં જ એક મોટી આર્થિક શક્તિ નથી, પરંતુ ભારતની ઊર્જા સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે. ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદે છે. નાઇજીરીયા ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન અને ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝનું પણ સભ્ય છે. આ બંને સંસ્થાઓ ભારતની મુત્સદ્દીગીરી અને અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. ભારત આતંકવાદનો સામનો કરવા માટે નાઇજીરીયા સાથે પણ સહયોગ કરી રહ્યું છે. તાજેતરમાં, નાઇજીરિયન એનએસએ ભારતની મુલાકાતે આવ્યા હતા. 17 વર્ષ બાદ નાઇજીરિયાની મુલાકાત લેનારા મોદી પ્રથમ વડાપ્રધાન બનશે. 2007માં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે નાઇજીરિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button