પાટનગરમાં PM Modiને શરદ પવાર મળ્યા, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી પહેલી વખત પૂર્વ કૃષિ પ્રધાન અને રાજ્યસભાના સાંસદ શરદ પવાર આજે સંસદ ભવનમાં પીએમ મોદીને મળ્યા હતા. આ બેઠક બાદ શરદ પવારે કહ્યું હતું કે તેમણે ખેડૂતોની સમસ્યા વિશે વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી.
શરદ પવારની સાથે સાતારાના બે ખેડૂતો પણ હતા તેમણે વડા પ્રધાનને દાડમની પણ ભેટ આપી હતી, જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યું કે શું મહારાષ્ટ્રના રાજકારણ પર ચર્ચા થઈ? તો તેમણે નકારમાં જવાબ આપ્યો.
વડા પ્રધાન મોદી સાથે શરદ પવારની મુલાકાત એવા સમયે થઈ જ્યારે તાજેતરના મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર આકરા નિવેદનો કર્યા હતા. જોકે, વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
આપણ વાંચો: શું અજિત પવાર-શરદ પવાર સાથે આવશે? શિવસેના નેતાનો મોટો દાવો
ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) અને કોંગ્રેસ સાથે શરદ પવારની પાર્ટી એનસીપી (એસપી) એમવીએમાં સામેલ છે. શરદ પવારને વિપક્ષી છાવણીના મોટા નેતા માનવામાં આવે છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન વડા પ્રધાન મોદી સાથેની તેમની મુલાકાતને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
મંગળવારે એનસીપી (એસપી) એ વન નેશન, વન ઇલેક્શન બિલનો વિરોધ કર્યો હતો. સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેએ રાજ્યસભામાં કહ્યું હતું કે આ બિલ સંઘવાદની વિરુદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે આ બિલ પાછું ખેંચી લેવું જોઈએ અથવા તેને જેપીસીમાં વધુ ચર્ચા માટે મોકલવું જોઈએ. લોકસભાએ વન નેશન, વન ઈલેક્શન બિલને ચર્ચા માટે જેપીસીને મોકલ્યું છે.