
Maha Kumbh 2025: 13 જાન્યુઆરી,2025થી શરૂ થઈ રહેલા મહાકુંભની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા અને ત્યાં અનેક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શુભારંભ કરાવ્યો હતો. પ્રયાગરાજથી પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધતા કહ્યું, મહાકુંભ આપણી આસ્થા, અધ્યાત્મ અને સંસ્કૃતિનો દિવ્ય મહોત્સવ છે. તેની તૈયારીનું નિરીક્ષણ કરવા અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ માટે પ્રયાગરાજની પવિત્ર ધરતી પર આવવા બદલ હું મારી જાતને સૌભાગ્યશાળી માની રહ્યો છું.
આ વખતે કુંભમાં થશે એકતાનો મહાયજ્ઞ
વડા પ્રધાને કહ્યું, આ વખતે કુંભમાં એકતાનો મહાયજ્ઞ હશે, જેની ચર્ચા આખી દુનિયામાં થશે. હું તમને બધાને આ કાર્યક્રમની ભવ્ય અને દિવ્ય સફળતાની શુભેચ્છા પાઠવું છું. ભારત પવિત્ર સ્થળો અને યાત્રાધામોનો દેશ છે. અહીં ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી અને નર્મદા જેવી અસંખ્ય પવિત્ર નદીઓની ભૂમિ છે. આ નદીઓના પ્રવાહની શુદ્ધતા, આટલી બધી યાત્રાઓનું મહત્વ, તેમનો સંગમ, તેમના પ્રભાવનો મહિમા આ પ્રયાગ છે. અહીં ડગલેને પગલે પવિત્ર સ્થળો છે.
આ માત્ર ત્રણ પવિત્ર નદીઓનો સંગમ નથી. પ્રયાગ વિશે કહેવામાં આવે છે જ્યારે સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે, ત્યારે બધી દિવ્ય શક્તિઓ, બધા તીર્થો, બધા ઋષિઓ પ્રયાગમાં આવે છે. આ તે સ્થાન છે જેનો ઉલ્લેખ વેદ, પુરાણ, ઋચામાં પણ કરવામાં આવ્યો છે.
Also read: રાજકોટ જિલ્લા કક્ષાના “કલા મહાકુંભ”નો શુભારંભ
સંગમમાં ડૂબકી લગાવનારા દરેક ભારતીય શ્રેષ્ઠ
પીએમ મોદીએ મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવવાના મહત્વ પર કહ્યું, મહાકુંભ આપણા દેશની હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક, આધ્યાત્મિક યાત્રાનું જીવંત પ્રતીક છે. એક એવી ઘટના છે જેમાં દરેક વખતે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને કલાનો દિવ્ય સંગમ થાય છે. કોઈ બહારની વ્યવસ્થાના બદલે કુંભ, મનુષ્યના અંતર્મનની ચેતનાનું નામ છે. આ ચેતના સ્વયં જાગૃત થાય છે. આ ચેતના જ ભારતના ખૂણે ખૂણામાંથી લોકોને અહીં ખેંચી લાવે છે. તેથી ફરી એક વખત હું કહું છું કે મહાકુંભ એકતાનો મહાયજ્ઞ છે. જેમાં દરેક પ્રકારના ભેદભાવને આહુતિ આપવામાં આવે છે. આ સંગમમાં ડૂબકી લગાવનારા દરેક ભારતીય એક ભારત-શ્રેષ્ઠ ભારતની શાનદાર તસવીર રજૂ કરે છે.