નવી દિલ્હી : મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી(Election 2024)માટે મતદાન થઇ રહ્યું છે. જેમાં મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે એક તબક્કામાં મતદાન થશે. જ્યારે ઝારખંડમાં આ બીજા તબક્કાની ચૂંટણી છે જેમાં રાજ્યની કુલ 38 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. જ્યારે આ બંને રાજ્યોમાં ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોને ખાસ અપીલ કરી છે.
પીએમ મોદીએ ઝારખંડના મતદારોને નવો રેકોર્ડ બનાવવા અપીલ કરી
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ એક્સ પર મતદારોને અપીલ કરતા એક્સ પર લખ્યું છે કે ” ઝારખંડમાં આજે લોકતંત્રના મહાપર્વનો બીજો અને અંતિમ તબક્કો છે. તમામ મતદારોને મારો આગ્રહ છે કે વધારેમાં વધારે મતદાન કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવો. આ ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરી રહેલા મારા યુવા સાથીઓને મારા વિશેષ અભિનંદન. તમારો એક એક મત રાજ્યની તાકત છે.
મહારાષ્ટ્રના મતદારોને પીએમ મોદીએ વધુ મતદાન કરવા અપીલ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મતદારોને એક સંદેશ પણ આપ્યો હતો. તેમણે લખ્યું – “આજે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો માટે મતદાન થશે. હું રાજ્યના મતદારોને વિનંતી કરું છું કે તેઓ પૂરા ઉત્સાહ સાથે તેનો હિસ્સો બને અને લોકશાહીના તહેવારની સુંદરતામાં વધારો કરે. આ પ્રસંગે તમામ યુવા અને મહિલા મતદારોને અપીલ છે કે તેઓ વધુમાં વધુ મતદાન કરે
એનડીએને ઝારખંડમાં 51 થી વધુ સીટો મળશે : બાબુલાલ મરાંડી
ઝારખંડમાં મતદાનના દિવસે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ દાવો કર્યો છે કે ઝારખંડમાં લોકોનું વલણ હેમંત સોરેનના નેતૃત્વવાળી જેએમએમ સરકારને બદલવાનો છે. ભાજપ-એનડીએને 51થી વધુ સીટો મળશે અને અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.
Also Read – Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ, મહાયુતિ-એમવીએ વચ્ચે કાંટાની ટક્કર
મહારાષ્ટ્રમાં ભાજપ 149 સીટો પર ચૂંટણી લડી રહી છે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મહાયુતિ ગઠબંધનનો ભાગ છે. જેમાં તે સૌથી વધુ 149 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 81 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે અજિત પવારની આગેવાની હેઠળ એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.