
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે અરુણાચલ પ્રદેશને અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે. જેમાં સૌથી મહત્વની યોજના છે સેલા ટનલ. સેલા ટનલ ચીન સરહદની ખૂબ નજીક છે અને સુરક્ષાની દૃષ્ટિએ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટનલ ચીનની સરહદે આવેલા તવાંગ સુધી તમામ પ્રકારના હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. આટલી ઉંચાઈ પર બનેલી આ દુનિયાની સૌથી લાંબી ટુ-લેન ટનલ છે. વડા પ્રધાન મોદી પશ્ચિમ કામેંગ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ટનલ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સિવાય વડાપ્રધાન 20 વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
સેલા ટનલ 13,000 ફૂટની ઉંચાઈ પર આવેલી છે. LAC ની નજીક હોવાને કારણે આ ટનલ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. બલીપારા-ચરિદ્વાર-તવાંગ માર્ગ ભારે વરસાદને કારણે બરફવર્ષા અને ભૂસ્ખલનને કારણે વર્ષના લાંબા સમય સુધી બંધ રહે છે, જેથી આ ટનલની ખૂબ જ જરૂર હતી. આ પ્રોજેક્ટમાં બે ટનલનો સમાવેશ થાય છે. પ્રથમ 980 મીટર લાંબી ટનલ સિંગલ ટ્યુબ ટનલ છે અને બીજી 1555 મીટર લાંબી ટનલ ટ્વીન ટ્યુબ ટનલ છે. આ 13,000 ફૂટથી વધુની ઊંચાઈએ બનેલી સૌથી લાંબી ટનલ પૈકીની એક હશે.

સેલા ટનલનું મહત્વ એ વાતથી સમજી શકાય છે કે આ ટનલ બની ગયા બાદ તવાંગથી ચીન બોર્ડર સુધીનું અંતર 10 કિલોમીટર ઘટી જશે. આ સિવાય આસામના તેજપુર અને અરુણાચલના તવાંગમાં સ્થિત ચાર આર્મી કોર્પ્સ હેડક્વાર્ટર વચ્ચેનું અંતર પણ લગભગ એક કલાક ઓછું થઈ જશે. ઉપરાંત, આ ટનલથી LAC પર સૈનિકો, શસ્ત્રો અને મશીનરી ઝડપી પહોંચાડી શકાશે.
અતેર ઉલ્લેખનીય છે કે સેલા ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડા પ્રધાન મોદીએ ફેબ્રુઆરી 2019માં કર્યો હતો, જેની કિંમત 697 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જો કે, કોવિડ-19 પાનડેમિક સહિતના વિવિધ કારણોસર તેના નિર્માણમાં વિલંબ થતો રહ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બે દિવસની મુલાકાતે આસામ પહોંચ્યા હતા. તેઓ શનિવારે 18,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.