નેશનલ

આસામને 11 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ, કામાખ્યા કોરિડોર સહિત મેડિકલ કોલેજો અને હોસ્પિટલોનું થશે નિર્માણ

ગુવાહાટી: ‘ભાજપની ડબલ એન્જિન સરકાર દરેક લાભાર્થી સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે. અમારું લક્ષ્ય દરેક નાગરિકના જીવનને સરળ બનાવવાનો છે. 3 દિવસ પહેલા રજૂ થયેલા બજેટમાં પણ આ જ વાત પર ફોકસ હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં વિકાસ માટે 11 લાખ રૂપિયા ખર્ચવાનો સરકારનો લક્ષ્યાંક છે,’ તેવું આસામમાં પીએમ મોદીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું.

પીએમ મોદીએ રવિવારે આસામમાં લગભગ 11 હજાર કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે મને ફરી એકવાર માતા કામાખ્યાના આશીર્વાદથી આસામના વિકાસ સાથે સંકળાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ તમને સોંપવાનું સૌભાગ્ય મળ્યું છે.


આ તમામ પ્રોજેક્ટ્સ આપણા આસામ અને ઉત્તરપૂર્વ સાથે દક્ષિણ એશિયાના અન્ય દેશોની કનેક્ટિવિટીને વધુ મજબૂત કરશે. આ 11 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક પરિયોજનાઓ છે. જેમાં 498 કરોડ રૂપિયાના ખર્ચે ‘કામાખ્યા મંદિર કોરિડોર’નું નિર્માણ, ગુવાહાટીમાં નવા એરપોર્ટના ટર્મિનલ પાસે 358 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેનનો માર્ગ, 831 કરોડ રૂપિયાના ખર્ચે નહેરુ સ્ટેડિયમમાં વિકાસકાર્યો તથા ચંદ્રપુરમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે રમતનું મેદાન વગેરે જેવા વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે.

ગુવાહાટીમાં જનસભા સંબોધતી વખતે પીએમ મોદીએ જણાવ્યું હતું કે જે પ્રકારે ગુવાહાટીના લોકોએ મારું સ્વાગત કર્યું, તમામ લોકો જે રીતે મને આશીર્વાદ આપી રહ્યા હતા, તેને લઇને હું સૌનો આભાર વ્યક્ત કરું છું. તમે લોકોએ દીવા પ્રગટાવ્યા હતા. તમારો પ્રેમ અને લાગણીઓ મારે મન એક મોટી મૂડી છે. અયોધ્યામાં ભવ્ય આયોજન બાદ આજે હું કામાખ્યા મંદિરના દ્વારે આવ્યો છું. આજે મને દિવ્યલોકની પરિયોજનાનો શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું. આ દિવ્યલોકની જે કલ્પના કરવામાં આવી છે તેની મને જાણ છે, જ્યારે તેની કામગીરી પૂર્ણ થશે ત્યારે વિશ્વભરમાંથી આવતા માઇભક્તોને અસીમ આનંદની અનુભૂતિ થશે.


સભામાં પીએમ મોદીએ અયોધ્યા સ્થિત રામમંદિરનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આપણા મંદિરો, તીર્થસ્થાનો આ બધા ફક્ત દર્શન કરવા માટેના સ્થળો જ નથી. આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિની નિશાની છે. ભારતે દરેક સંકટનો સામનો કરીને કઇરીતે અસ્તિત્વ જાળવી રાખ્યું, આ તેનું સાક્ષી છે. કોઇપણ દેશ પોતાના ભૂતકાળને ભુલાવીને ક્યારેય વિકસીત ન થઇ શકે. મને એ વાતનો સંતોષ છે કે પાછલા 10 વર્ષોમાં દેશની સ્થિતિ બદલાઇ છે.


આસામમાં ડબલ એન્જિન સરકાર પહેલા 6 મેડિકલ કોલેજો હતી, પરંતુ એ પછી અહીં 12 મેડિકલ કોલેજ છે. આજે આસામમાં કેન્સરના ઇલાજ માટે એક મોટું કેન્દ્ર ઉભું થઇ રહ્યું છે. અમે ટૂંકાગાળામાં IIT અને IIM ઉભા કરી દીધા છે.

આ સાથે જ પીએમ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે “આપણે જોયું કે જે લોકો સરકારી યોજનાઓના લાભથી વંચિત હતા તેમના સુધી મોદીની ગેરંટીવાળી ગાડી પહોંચી છે. દેશભરમાંથી લગભગ 20 કરોડ લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થયા છે.” તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું.


આ ઉપરાંત પીએમ મોદીએ નામ લીધા વગર વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે 2014 બાદ રેલવે ટ્રેકની લંબાઇ 1900 કિમીથી આગળ વધારવામાં આવી, 2014 સુધી અહીંયા ફક્ત 10 હજાર કિમી નેશનલ હાઇવે હતા, પાછલા 10 વર્ષોમાં અમે 6000 કિમીના નવા નેશનલ હાઇવે બનાવ્યા છે. 2014ની પહેલાનું જે રેલવે બજેટ હતું, તેની તુલનામાં લગભગ 400 ટકા રેલવે બજેટ વધારવામાં આવ્યું છે. આજે સમગ્ર દેશ કહી રહ્યો છે કે મોદીની ગેરંટી હોય તો તે પૂરી થાય જ. ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો, આ તમામને મૂળભૂત સુવિધાઓની ગેરંટી આપી છે, જેમાંથી મોટાભાગની પૂરી થઇ રહી છે, તેવું પીએમ મોદીએ ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button