
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે આજે ટેલિફોનિક વાત થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વાતચીતમાં પીએમ મોદીએ પુતિન સાથે વાત કરતા યુક્રેય યુદ્ધ મુદ્દે ભારત શું વિચાર ધરાવે છે તેની ચર્ચા થઈ હતી. મહત્વની વાત એ છે કે, રશિયાના રાષ્ટ્રપતિએ જાતે પીએમ મોદીને ફોન કરીને વાત કરી હતી. એટલું જ નહીં પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે કરેલી બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શું ચર્ચા થઈ હતી તેની વિગતો પણ પીએમ મોદીને જણાવી હતી. જેથી ભારત અને રશિયા વચ્ચેના સંબંધો કેટલા મજબૂત છે તેનો અંદાજ આવી જાય છે.
પુતિને ટ્રમ્પ સાથે કરેલી બેઠક અંગે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરી
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકા સાથે કરેલી બેઠકની વાત જણાવી તેના માટે પીએમ મોદીએ તેમનો આભાર માન્યો હતો. એટલું જ નહીં પરંતુ એવું પણ જણાવ્યું કે, ભારતે સંઘર્ષની સ્થિતિમાં હંમેશા કૂટનીતિ અને સંવાદ સાથે જ કામ કર્યું છે. જેથી રશિયા અને યુક્રેન યુદ્ધ મામલે પણ શાંતિ સ્થપાય તે માટે ભારત સંમર્થન આપ્યું છે કારણ કે ભારત હંમેશા શાંતિ સાથે કામ કરતું આવ્યું છે. ભારત અને રશિયા વર્ષોથી એકબીજાના મિત્ર રહ્યાં છે. અમેરિકાએ જ્યારે ભારત પર દબાણ કર્યું કે તે રશિયા પાસેથી ઓઈલની ખરીદી ના કરે ત્યારે પણ ભારતે અમેરિકા સામે લાલ આંખ કરી હતી.
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અંગે પણ ચર્ચા થઈઃ સૂત્ર
ખાસ કરીને વાત કરવામાં આવે તો, પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી અને ભવિષ્યમાં વાતચીત ચાલુ રાખવા સંમતિ વ્યક્ત કરી હતી. આ વાતચીત એટલા માટે ખાસ માનમાં આવી રહી છે કે, કારણે કે, અમેરિકા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે બેઠકો કરી રહ્યું છે. તેવામાં રશિયાએ બેઠકની વાત ભારત સાથે શેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી મોદીને અલાસ્કામાં યોજાયેલી બેઠક વિશે વિગતવાર માહિતી આપી અને આ મુદ્દા પર તેમના મંતવ્યો પૂછ્યા હતાં. એટલું જ નહીં પરંતુ યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો આગળ વધારવાની અંગે પણ ખાસ ચર્ચા કરી હતી.