National Girl Child Day: વડા પ્રધાન મોદીએ દીકરીઓની અદમ્ય ઈચ્છા શક્તિ અને સિદ્ધિઓને બિરદાવી
નવી દિલ્હી: આજે ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દીકરીઓને ચેન્જ મેકર ગણાવીને બિરદાવી હતી. વડા પ્રધાને કહ્યું કે તેમની સરકાર એક એવા રાષ્ટ્રના નિર્માણ માટે તમામ પ્રયાસો કરી રહી છે જ્યાં દીકરીઓને શીખવાની, વિકસવાની અને ખીલવાની તક મળે.
વડા પ્રધાને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં આ ટિપ્પણી કરી હતી. મહિલા અધિકારો અને સ્ત્રી શિક્ષણ અને આરોગ્યના મહત્વ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે મનાવવામાં આવે છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું, “નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પર, અમે દીકરીઓની અદમ્ય ઈચ્છા શક્તિ અને સિદ્ધિઓને સલામ કરીએ છીએ. અમે તમામ ક્ષેત્રોમાં દરેક બાળકીની ક્ષમતાને પણ બિરદાવીએ છીએ. બાળકીઓ ચેન્જ મેકર છે, જે આપણા રાષ્ટ્ર અને સમાજને વધુ ઉન્નત બનાવે છે. છેલ્લા એક દાયકામાં, અમારી સરકાર એવા રાષ્ટ્રના નિર્માણ માટે ઘણા પ્રયત્નો કરી રહી છે જ્યાં દરેક દીકરીને શીખવાની, વિકસવાની અને ખીલવાની તક મળે.”
અત્રે ઉલ્લેખનીય છે કે કેદ્રની ભજપ સરકારે વર્ષ 2015માં ‘બેટી બચાવો બેટી પઢાઓ’ શરૂ કરી હતી, જેનો હેતુ ચાઈલ્ડ સેક્સ રેશીયો સુધારવા અને વિવિધ પગલાં દ્વારા બાળકીઓને સશક્ત બનાવવાનો છે.