પિતા પણ દાવેદાર અને પુત્ર પણ, કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ માટે જ યુદ્ધ: હરિયાણામાં વડા પ્રધાન મોદીની આકરી ટીકા…

હિસાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે હિસારમાં જનસભાને સંબોધતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડા પ્રધાન મોદીએ કોંગ્રેસની આંતરિક લડાઈનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ બનવાની લડાઈ છે. પિતા પણ દાવેદાર છે અને પુત્ર પણ દાવેદાર છે. બંને સાથે મળીને બાકીના લોકોને સંભાળવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો : Nirmala sitharaman વિરુદ્ધ કોર્ટે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો, જાણો સમગ્ર મામલો…
વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે, જ્યાં કોંગ્રેસ છે ત્યાં ક્યારેય સ્થિરતા નથી આવી શકતી. જે પક્ષ પોતાના નેતાઓ વચ્ચે એકતા ન લાવી શકે તે રાજ્યમાં સ્થિરતા કેવી રીતે લાવશે? હરિયાણાના લોકો કોંગ્રેસના ખોટા વાયદાઓમાં ફસાવાના નથી.
કોંગ્રેસ દેશની સૌથી કપટી અને બેઈમાન પાર્ટી છે. કોંગ્રેસ સમગ્ર દલિત સમુદાયને નફરત કરે છે. કોંગ્રેસમાં દલિતો અને પછાત લોકો માટે દરવાજા સંપૂર્ણપણે બંધ છે. કોંગ્રેસનો રાજવી પરિવાર કહી રહ્યો છે કે તેઓ દલિતો અને પછાત વર્ગ માટેની અનામતને ખતમ કરશે, તેમની વિચારસરણી દલિત અને પછાત વર્ગ વિરોધી છે.
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે. કોંગ્રેસનો પરાજય નિશ્ર્ચિત થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ હવે કહેવા લાગ્યા છે કે હરિયાણામાં પણ એવી જ સ્થિતિ થશે જેવી મધ્ય પ્રદેશમાં થઈ હતી.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનની છેલ્લી ચૂંટણીઓમાં તેઓએ જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂલાવ્યો હતો, પરંતુ જનતાએ મતદાન કરીને તે ફુગ્ગાની હવા કાઢી નાખી હતી. હવે હરિયાણામાં પણ આવું જ થવાનું છે.
આ પણ વાંચો : Haryana Election 2024: બળવાખોર નેતાઓ સામે કોંગ્રેસની કાર્યવાહી, 13 નેતાઓએ બતાવ્યો બહારનો રસ્તો
તેમણે એમ પણ કહ્યું હતું કે, હરિયાણાની માતાઓ અને બહેનોએ અહીં સૂત્ર આપ્યું છે – મ્હારા હરિયાણા, નોનસ્ટોપ હરિયાણા. હરિયાણાનો વિકાસ આવી જ રીતે નોનસ્ટોપ ચાલુ રહેવો જોઈએ. તેથી હરિયાણાએ ત્રીજી વખત ભાજપને લાવવા માટે મન બનાવી લીધું છે. ચારે બાજુથી અવાજો આવી રહ્યા છે – ભરોસા દિલસે, ભાજપા ફિરસે. કોંગ્રેસની આવી હાલત છે કારણ કે કોંગ્રેસ દેશની સૌથી કપટી અને બેઈમાન પાર્ટી છે. તેઓએ હિમાચલની શું હાલત કરી છે? તમે કલ્પના પણ નહીં કરી શકો કે તેઓ હિમાચલમાં કેટલું જુઠું બોલે છે, ચૂંટણી પ્રચારમાં તેમણે મતદારોને અનેક વચનો આપ્યા હતા, હવે સરકાર બનાવ્યા પછી, કોંગ્રેસ મતદારોને સવાલ કરે છે કે તમે કોણ છો?