પીએમ મોદીએ મોકલી ભેટ તો મીરા માંઝીએ પતિ માટે માગી નોકરી
અયોધ્યાઃ પીએમ મોદીએ 30 ડિસેમ્બરે તેમની અયોધ્યા મુલાકાત દરમિયાન મીરા માંઝીના ઘરની મુલાકાત લીધી હતી. લાકાત બાદ વડાપ્રધાન મોદીએ મીરા માંઝી અને તેમના પરિવારને પત્ર લખીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ પત્રની સાથે ભેટ પણ મોકલી હતી. હવે મીરા માંઝીએ પોતાના પતિની નોકરી માટે વડાપ્રધાન મોદીને વિનંતી કરી છે.
મીરા માંઝીએ જણાવ્યું હતું કે ‘બાળકોની બેગ, પેન્સિલ, ટિફિન, આ બધું પીએમ મોદી દ્વારા મોકલવામાં આવેલી ભેટમાં સામેલ હતું. અમારા બાળકોને આટલું બધું આપવા બદલ હું તેમનો આભાર માનું છું. હવે અમારી એક જ વિનંતી છે કે અમારા પતિને ગમે ત્યાં નાની નોકરી આપો જેથી તેમનું ભવિષ્ય અમારા બાળકો માટે સુધરી શકે. હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે ભવિષ્યમાં આપણા બાળકોનું ભવિષ્ય સારુ હોવું જોઇએ.
નોંધનીય છે કે પીએમ મોદીએ નવા વર્ષે મીરા માંઝીને એક પત્ર અને એક ભેટ મોકલી હતી. પત્રમાં તેમણે મીરા માંઝીને નવા વર્ષ 2024ની શુભેચ્છા પાઠવી હતી. પત્રમાં તેમણે લખ્યું હતું કે, ‘ભગવાન શ્રી રામની પવિત્ર નગરી, અયોધ્યામાં તમારી અને તમારા પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી અને ઉજવણી કરી. તમારા હાથની બનાવેલી ચા પણ પીધી. મને ઘણો આનંદ થયો. અયોધ્યાથી આવ્યા પછી મેં ઘણી ટીવી ચેનલો પર તમારો ઈન્ટરવ્યુ જોયો. તમારા અને પરિવારના અન્ય સભ્યોનો વિશ્વાસ અને તમે જે રીતે તમારા અનુભવો શેર કર્યા તે સરળ રીત જોઈને આનંદ થયો. તમે ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં લાભાર્થી છો. એ નાનો આંકડો નથી. હું તેને કરોડો દેશવાસીઓના મોટા સપના અને સંકલ્પોની પૂર્તિની કડી તરીકે જોઉં છું.’
30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓ મીરા માંઝીને મળ્યા હતા અને તેમના ઘરે ચા પણ પીધી હતી.આ મીટિંગનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં પીએમ મોદી મીરા માંઝી અને તેમના પરિવાર સાથે સરકારની આવાસ યોજના અને ઉજ્જવલા યોજનાના ફાયદા વિશે વાત કરી રહ્યા હતા. મીરા માંઝીએ પીએમ મોદીને જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓને કારણે તેમના પરિવારને માથા પર છત અને ઘરમાં ગેસની સુવિધા મળી છે. મીરા માંઝીએ એમ પણ જણાવ્યું હતું કે તે ફૂલ વેચવાનું કામ કરે છે. પહેલા તે ઝૂંપડીમાં રહેતી હતી. ઘર બાંધવા માટે તેને સરકાર તરફથી 2.5 લાખ રૂપિયા મળ્યા હતા. તેણે આ બધા માટે પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો.