PM મોદીએ તમિલનાડુના ચોલપુરમ મંદિરની લીધી મુલાકાત, કહ્યું 'ઓમ નમઃ શિવાય' સાંભળીને રુંવાડા ઊભા થઈ જાય…. | મુંબઈ સમાચાર

PM મોદીએ તમિલનાડુના ચોલપુરમ મંદિરની લીધી મુલાકાત, કહ્યું ‘ઓમ નમઃ શિવાય’ સાંભળીને રુંવાડા ઊભા થઈ જાય….

ચેન્નઈઃ ચોલ સામ્રાજ્યના મહાન શાસક રાજેન્દ્ર ચોલ પ્રથમની જન્મજયંતિના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આવેલા ગંગૈકોંડા ચોલપુરમ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ચોલ વંશના સમૃદ્ધ વારસાને શ્રદ્ધાંજલિ આપી હતી. ચોલ સામ્રાજ્ય દક્ષિણપૂર્વ એશિયા સુધી વિસ્તરેલું હતું.

આ પ્રસંગે મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે હું ‘ઓમ નમઃ શિવાય’ સાંભળું છું, ત્યારે મારા રૂંવાડા ઉભા થઈ જાય છે.’ પીએમ મોદીએ 11મી સદીમાં રાજેન્દ્ર ચોલ દ્વારા બનાવવામાં આવેલા શિવ મંદિરમાં પૂજા કરી હતી. આ શિવ મંદિર ચોલ વંશની સ્થાપત્ય કળા અને સૈન્ય શક્તિનું પ્રતિક છે. આ મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ગ્રેટ લિવિંગ ચોલ મંદિરોનો એક ભાગ છે.

વડા પ્રધાન મોદીએ ગંગૈકોંડા ચોલપુરમ મંદિરમાં મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલા પ્રથમની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, ‘એક રીતે આ રાજાની પૂજનીય ભૂમિ છે અને આજે ઇલૈયારાજાએ જે રીતે આપણા બધાને શિવભક્તિમાં ડૂબાડ્યા. કેવું અદભૂત વાતાવરણ હતું. હું સાંસદ છું, જ્યારે હું ‘ઓમ નમઃ શિવાય’ સાંભળું છું ત્યારે મારા રૂંવાડા ઉભા થઈ જાય છે. શિવ દર્શનની અદભૂત ઉર્જા, આ આધ્યાત્મિક અનુભવ મનને ભાવુક કરી દે છે.’

વડા પ્રધાને કહ્યું હતું કે મને ભગવાન બૃહદેશ્વરના ચરણોમાં પૂજા કરવાનો લહાવો મળ્યો છે. મેં આ ઐતિહાસિક મંદિરમાં 140 કરોડ ભારતીયોના કલ્યાણ અને ભારતની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરી છે. હું ઈચ્છું છું કે દરેકને ભગવાન શિવના આશીર્વાદ મળે. ચોલ રાજાઓએ શ્રીલંકા, માલદીવ્સ અને દક્ષિણ-પૂર્વ એશિયા સુધી તેમના રાજદ્વારી અને વેપાર સંબંધોનો વિસ્તાર કર્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button