Top Newsનેશનલ

PM મોદી G20 માંથી પરત: AI સમજૂતી, UNSC સુધારા અને ‘વસુધૈવ કુટુંબકમ્’નો મજબૂત સંદેશ!

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત G20 શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પરત ફર્યા છે. આ સંમેલનમાં, પીએમ મોદીએ વિશ્વના વિવિધ નેતાઓ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના અભિગમનું મજબૂત રીતે પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની મુલાકાતને ‘સમૃદ્ધ અને સસ્ટેનેબલ પ્લાનેટના નિર્માણમાં યોગદાન આપનારી ગણાવતા, વડાપ્રધાને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા અને ત્યાંની સરકારનો આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો.

G20 સંમેલન દરમિયાન, પીએમ મોદીએ અનેક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક પહેલ રજૂ કરી હતી. તેમણે ટેક્નોલોજીના જવાબદાર ઉપયોગ પર ભાર મૂકવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગને રોકવા માટે એક વૈશ્વિક સમજૂતીનું આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે વૈશ્વિક વિકાસના માપદંડો પર ઊંડાણપૂર્વક પુનર્વિચાર કરવા માટે હાકલ કરી હતી, જેમાં માદક દ્રવ્ય-આતંકવાદના જોડાણનો સામનો કરવા માટે G20 પહેલ અને વૈશ્વિક આરોગ્ય સંભાળ પ્રતિભાવ દળ બનાવવાનો પ્રસ્તાવ મુખ્ય હતો.

વડાપ્રધાન મોદીએ તેમની મુલાકાત દરમિયાન કેનેડાના માર્ક કાર્ની, જાપાનના સાને તાકાઇચી, ઇટાલીના જ્યોર્જિયા મેલોની, દક્ષિણ આફ્રિકાના સિરિલ રામફોસા, બ્રિટનના કેઅર સ્ટાર્મર, ફ્રાન્સના ઈમેન્યુઅલ મેક્રોં અને બ્રાઝિલના લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વા સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.

વૈશ્વિક સંસ્થાગત સુધારાઓ પર ભાર મૂકતા, પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં સુધારાઓની વકાલત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના ત્રિપક્ષીય મંચે આ સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે વૈશ્વિક સંસ્થામાં પરિવર્તન હવે માત્ર એક વિકલ્પ નથી, પરંતુ એક અનિવાર્યતા છે. આ હાકલ વૈશ્વિક શાસન માળખામાં વધુ સમાવેશી અને પ્રતિનિધિત્વપૂર્ણ વ્યવસ્થાની ભારતની લાંબા સમયથી ચાલી આવતી માંગને રેખાંકિત કરે છે.

આ પણ વાંચો…એઆઈના દુરુપયોગ અટકાવવા માટે ગ્લોબલ કરાર કરવાની PM મોદીની અપીલ…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button