
નવી દિલ્હી : પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં પીએમ મોદીએ મિશન વિકસિત ભારતના લક્ષ્યનો પુનરોચ્ચાર કર્યો અને રાજ્યોને તેને પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવાની સલાહ આપી. મોદીએ કહ્યું કે વિકસિત ભારત દરેક ભારતીયનું લક્ષ્ય છે. જ્યારે દરેક રાજ્યનો વિકાસ થશે ત્યારે ભારતનો વિકાસ થશે.
રાજ્યોમાં ઓછામાં ઓછું એક પર્યટન સ્થળ વિકસાવવું જોઈએ
આ 140 કરોડ નાગરિકોની આકાંક્ષા છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો અને અનેક કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ કહ્યું કે અમારું લક્ષ્ય દરેક રાજ્યને વિકસિત બનાવવાનું, દરેક શહેરને વિકસિત કરવાનું, દરેક નગરપાલિકાને વિકસિત કરવાનું અને દરેક ગામને વિકસિત કરવાનું હોવું જોઈએ. જો આપણે આ દિશામાં કામ કરીશું તો વિકસિત ભારત બનવા માટે આપણે 2047 સુધી રાહ જોવી પડશે નહીં. તેમણે એવું પણ સૂચન કર્યું કે રાજ્યોએ તેમના રાજ્યોમાં ઓછામાં ઓછું એક પર્યટન સ્થળ વિકસાવવું જોઈએ જેમાં વૈશ્વિક ધોરણો અનુસાર તમામ સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ હોય.
ભારતના શહેરો નવીનતા અને વિકાસના પર્યાય બને તે જરુરી
વડા પ્રધાને કહ્યું કે ભારત ઝડપથી શહેરીકરણ કરી રહ્યું છે.તેથી આપણે શહેરોને ભવિષ્ય માટે તૈયાર બનાવવા માટે કામ કરવું જોઈએ. ભારતના શહેરો નવીનતા અને વિકાસના પર્યાય બને તે જરુરી છે પીએમ મોદીએ રોજગારમાં મહિલાઓનો સમાવેશ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું, આપણે એવા કાયદા અને નીતિઓ બનાવવા જોઈએ જે તેમને સન્માન સાથે રોજગારમાં સામેલ કરી શકાય. ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાનની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો સાથે આ પહેલી મોટી બેઠક છે.
રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી
પીએમ મોદીએ શનિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રોકાણને પ્રોત્સાહન આપવા અને રોજગારીનું સર્જન કરવા માટે નીતિગત અવરોધો દૂર કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જો કેન્દ્ર સરકાર અને રાજ્યો ટીમ ઈન્ડિયા ની જેમ સાથે મળીને કામ કરશે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.
ઓપરેશન સિંદૂર’ને સમર્થન આપ્યું
નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક વિશે પત્રકારોને માહિતી આપતા, મુખ્ય કાર્યકારી અધિકારી બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે બેઠકમાં હાજર રહેલા બધા લોકોએ સર્વસંમતિથી પાકિસ્તાનમાં આતંકવાદી માળખાનો નાશ કરવા માટે ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીએ રાજ્યોને કૃષિ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ વિનંતી કરી.
31 રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો
આ વખતે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો મુખ્ય વિષય હતો – ‘2047 માં વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો’. આ બેઠકમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 31 મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલોએ હાજરી આપી હતી.જે અત્યાર સુધીની સૌથી મોટી હાજરીમાંથી એક માનવામાં આવે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર 2047 રોકાણ માટેનું વિઝન નીતિ આયોગની બેઠકમાં ફડણવીસે માંડ્યું