નેશનલ

PM મોદીની 2 દિવસીય મલેશિયા યાત્રા પૂર્ણ, જાણો બંને દેશો વચ્ચે કઈ ડીલ થઈ…

ક્વાલાલંપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મલેશિયાનો બે દિવસીય ઐતિહાસિક પ્રવાસ પૂરો કરી ભારત તરફ રવાના થયા છે. મલેશિયાના વડા પ્રધાન અન્વર ઇબ્રાહિમે તેમને ભાવુક વિદાય આપી હતી. મલેશિયાનો પ્રવાસ પૂર્ણ કરતા પહેલાં મોદીએ અન્વર સાથે વ્યાપક ચર્ચા કરી, જેમાં રક્ષા અને સુરક્ષા સંબંધોને મજબૂત કરવા પર ખાસ ચર્ચા થઈ હતી.

મલેશિયા યાત્રા અંગે વિદેશ મંત્રાલય એક્સ પર પોસ્ટ કરી

પીએમ મોદીની મલેશિયા યાત્રા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને માહિતી આપી છે. તેમણે લખ્યું કે, ‘યાદગાર પ્રવાસનો અંત! મલેશિયા પ્રવાસમાં અદ્ભુત આતિથ્ય, નિકટતા અને સાંસ્કૃતિક બંધનોની મજબૂતી જોવા મળી હતી. PM મોદી ભારત માટે રવાના થઈ ગયાં છે. આ પ્રવાસથી ભારત-મલેશિયા સંબંધોને નવી તાકાત મળી છે. આ પ્રવાસ અંગે બની શકે છે કે, વિદેશ મંત્રાયલ દ્વારા એક સત્તાવાર નિવેદન અને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી શકે છે.

ભારત-મલેશિયા વચ્ચે થયા આ મહત્વના કરારો

પીએમ મોદીના મલેશિયા પ્રવાસ દરમિયાન બંને દેશોએ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય દસ્તાવેજોનું આદાન-પ્રદાન કર્યું. તેમાં સુરક્ષા સહયોગ, યુએન શાંતિ મિશન, સેમિકન્ડક્ટર, આરોગ્ય-ચિકિત્સા, આપત્તિ વ્યવસ્થાપન, ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી, ઓડિયો-વિઝ્યુઅલ સહ-ઉત્પાદન, વ્યાવસાયિક શિક્ષણ અને ભારતીય મજૂરો માટે સામાજિક સુરક્ષા સામેલ છે. બંને દેશો વૈવિધ્યસભર ક્ષેત્રોમાં સંબંધો વિસ્તારવા પ્રતિબદ્ધ છે તેવું પીએમ મોદીએ કહ્યું હતું.

ખાસ કરીને વાત કરવામાં આવે તો આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે રક્ષા, AI, ડિજિટલ ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા પર સહમતિ થઈ છે. જે ભારતના ભવિષ્ય માટે ખાસ મહત્વપૂર્ણ સાબિત થશે. પીએમ નરેન્દ્ર મોદીએ ક્વાલાલંપુરમાં આઝાદ હિંદ ફૌજના વેટરને જયરાજ રાજા રાવ સાથે મળ્યા હતાં. આ દરમિયાન પીએમ મોદીએ INAના બલિદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પરંતુ મલેશિયાના ભારતીય મૂળના મંત્રીઓ, ધારાસભ્યો અને સેનેટરો સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button