નેશનલ

લોકસભામાં વડા પ્રધાન મોદીએ મહાકુંભની તુલના 1857ની ક્રાંતિ સાથે કરીને કરી મોટી વાત…

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં મહાકુંભ મુદ્દે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, તેનાથી દેશની એકતાનો સંદેશ મળ્યો છે. મહાકુંભની તુલના 1857ની ક્રાંતિ સાથે કરી હતી. ભગત સિંહના બલિદાન અને મહાત્મા ગાંધીની દાંડી માર્ચે દેશને એક નવો વળાંક આપ્યો હતો અને આવું જ મહાકુંભના આયોજનથી થયું છે.

પીએમ મોદીએ કહ્યું, હું ઉત્તર પ્રદેશ અને ખાસ કરીને પ્રયાગરાજના લોકોનો આભાર માનું છું. ગંગાજીને ધરતી પર લાવવાનો ભગીરથ પ્રયાસ થયો હતો તેવો જ મહાપ્રયાસ મહાકુંભના ભવ્ય આયોજનમાં થયો હતો. સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા છે. સૌનો પ્રયાસ જ અહીંયા સાક્ષાત સ્વરૂપ છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, મહાકુંભે લોકોના મનમાં રહેલી શંકાઓનો પણ જવાબ આપ્યો હતો. ગત વર્ષે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તમામને દેશ આગામી હજારો વર્ષો માટે તૈયાર થઈ રહ્યો હોવાનો અનુભવ થયો હતો. કોઈપણ રાષ્ટ્રના ઈતિહાસમાં એવી ક્ષણો આવે છે, જે સદીઓ માટે ઉદાહરણ બની જાય છે.

આપણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…

આપણા દેશના ઈતિહાસમાં પણ આવી ક્ષણો આવી છે, જેણે નવી દિશા આપી અને લોકોને જાગૃત કર્યા હતા. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલું ભાષણ ભારતની ચેતનાનો જયઘોષ હતો. આવું જ આઝાદીની ચળવળમાં પણ થયું હતું. 1857ની ક્રાંતિ, ગાંધીજીની દાંડી માર્ચે આપણને પ્રેરણા આપી હતી.

વડા પ્રધાને કહ્યું, મહાકુંભમાં દોઢ મહિના સુધી લોકોનો ઉત્સાહ જોયો હતુો. કરોડો લોકો શ્રદ્ધાથી અહીં ઉમટ્યા હતા. થોડા દિવસ પહેલા મોરેશિયસ ગયો હતો ત્યારે ત્રિવેણી સંગમનું જળ લઈને ગયો હતો. આ જળ મોરેશિયસના ગંગા તળાવમાં અર્પણ કર્યું ત્યારે ત્યાં આસ્થા અને ઉત્સાહનો માહોલ હતો. ભારતની યુવા પેઢી તેમની આસ્થાને ગર્વ સાથે અપનાવી રહી છે.

આ ઉપરાંત લોકસભામાં પીએમ મોદીએ કહ્યું, અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકો ત્રિવેણી સંગમનો હિસ્સો બન્યા હતા. જ્યારે કરોડો લોકો રાષ્ટ્રીયતાના ભાવથી મજબૂતી આપે છે ત્યારે દેશની એકતા વધે છે.

દરેક ભાષાના લોકો સંગમ તટ પર હર હર ગંગેનો ઉદ્ઘોષ કરે છે ત્યારે એકતાની ભાવના વધે છે. નાના-મોટામાં કોઈ ભેદ નહોતો. આ ભારતની સૌથી મોટી તાકાત છે. એકતાની ભાવના જ ભારતીયોનું સૌભાગ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button