જમ્મુ-કાશ્મીરના લોકો ભ્રષ્ટાચાર, આતંકવાદ અને અલગતાવાદ મુક્ત સરકારની રાહ જોઈ રહ્યા છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના લોકો શાંતિ અને તેમના બાળકો માટે વધુ સારા ભવિષ્ય માટે ‘ભ્રષ્ટાચાર, આતંકવાદ અને અલગતાવાદ’ મુક્ત સરકારની રાહ જોઈ રહ્યા છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું અને કોંગ્રેસ, એનસી (નેશનલ કૉન્ફરન્સ) અને પીડીપી (પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)ને બંધારણના સૌથી મોટા દુશ્મનો ગણાવ્યા હતા.
આ પણ વાંચો : Jammu Kashmir માં ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલાં અહીંના એમ.એ.એમ. સ્ટેડિયમ ખાતે એક મતદાન રેલીને સંબોધતાં તેમણે 2016ની સરહદ પારની સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આતંકવાદીઓ જાણે છે કે જો તેઓ કંઈ ખોટું કરશે તો મોદી તેમને પાતાળમાંથી પણ શોધી કાઢશે.
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો ત્રીજો અને અંતિમ તબક્કો પહેલી ઓક્ટોબરે યોજાશે. આ તબક્કામાં જમ્મુ ક્ષેત્રની 24 અને કાશ્મીરની 16 મળીને 40 બેઠકો પર મતદાન થશે.
મોદીએ રેલીમાં એવો દાવો કર્યો હતો કે ભાજપ માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના લોકો ત્રણ પરિવારો – કોંગ્રેસ, એનસી અને પીડીપીના શાસનના અંતની તરફેણમાં છે અને તેઓને પાછા સત્તા સોંપવા માંગતા નથી.
તેઓ ભ્રષ્ટાચાર, નોકરીઓમાં ભેદભાવ, આતંકવાદ, અલગતાવાદ અને રક્તપાત ઇચ્છતા નથી. તેના બદલે તેઓ તેમના બાળકો માટે શાંતિ અને વધુ સારું ભવિષ્ય ઇચ્છે છે, એમ વડા પ્રધાને તેમના લગભગ 45 મિનિટ લાંબા ભાષણમાં કહ્યું હતું.
મોદીએ એમ પણ કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં લોકો ઈચ્છે છે કે ભાજપ સરકાર બનાવે અને પ્રથમ બે તબક્કામાં ભારે મતદાન લોકોના મૂડને દર્શાવે છે.
અગાઉની સરકારોએ જમ્મુ ક્ષેત્ર સાથે ભેદભાવ કર્યો હોવાનો આક્ષેપ કરતાં વડા પ્રધાને રેલીમાં કહ્યું હતું કે, આ મંદિરોનું શહેર છે. આ તકને વેડફશો નહીં, ભાજપની સરકાર બનશે અને તે તમારા તમામ મુદ્દાઓને ઉકેલશે.
આ ચૂંટણી એક નવો અધ્યાય લખવા જઈ રહી છે. અગાઉ કોંગ્રેસ, એનસી, પીડીપી નેતાઓ અને તેમના પરિવારોને તેમની સરકારોથી ફાયદો થયો હતો જ્યારે તમે વિનાશનો સામનો કર્યો હતો, એમ મોદીએ રેલીમાં કહ્યું હતું.
આજે 28 સપ્ટેમ્બર છે અને તમે જાણો છો કે આ દિવસે (2016માં) સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. ભારતે વિશ્ર્વને સંદેશ આપ્યો હતો કે આ એક નવું ભારત છે, અને તે ઘરની અંદર ઘૂસીને પણ પ્રહાર કરે છે, એમ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસ પર ‘શહેરી નક્સલીઓ’ના પ્રભાવ હેઠળ હોવાનો આરોપ લગાવતા વડાપ્રધાને કહ્યું હતું કે, ‘જ્યારે ઘૂસણખોરો બહારથી આવે છે, ત્યારે તેઓને સારું લાગે છે કારણ કે તેઓ તેમને વોટ બેંક તરીકે જુએ છે. પરંતુ આપણા જ લોકોની સમસ્યાઓ માટે તેઓ મજાક ઉડાવે છે.’
મોદીએ તેમના ભાષણની શરૂઆત મહારાજા હરિ સિંહ અને સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહ સહિત મહાન ડોગરા હસ્તીઓને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપીને કરી હતી.
વડાપ્રધાનની જમ્મુ-કાશ્મીરની આ ત્રીજી મુલાકાત હતી અને પખવાડિયામાં ચોથી ચૂંટણી રેલી હતી. (પીટીઆઈ)