જન્મદિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ પાસે શું ભેટ માગી?

ધારઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ધારમાં પોતાના જન્મદિવસે એક જાહેર સભાને સંબંધી હતી. અહીંની જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ સમય તહેવારોનો છે, ત્યારે અત્યારના સમયે તમારે સ્વદેશી મંત્રને વળગી રહેવાનું છે અને પોતાના જીવનમાં ઉતારવાનો છે. દેશવાસીઓને મારી પ્રાર્થના છે કે તમે લોકો જે ખરીદો એ દેશમાં બનેલું હોવું જોઈએ, જેમાં પરસેવો આપણા દેશવાસીઓનો હોવો જોઈએ. અલબત્ત, તમે લોકો જે કંઈ પણ ખરીદો તેની મહેક હિંદુસ્તાનની હોવી જોઈએ.
‘સ્વદેશી’ને વિકસિત ભારતનો પાયો બનાવવો જોઈએ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે વેપારી ભાઈઓને મારે એક વાત કહેવી છે કે દેશ માટે મને મદદ કરો અને મને સાથ-સહકાર આપો. મને 2047 સુધી વિકસિત ભારત બનાવીને રહેવું છે. મારી તમને સૌને ભલામણ છે કે તમે જે કોઈ વસ્તુ ખરીદો એ દેશમાં બની હોવી જોઈએ મહાત્મા ગાંધીએ સ્વદેશીને આઝાદીનું માધ્યમ બનાવ્યું હતું અને આપણે સ્વદેશીને વિકસિત ભારતનો પાયો બનાવવો જોઈએ.
એવી વસ્તુની ખરીદી કરો, જે ભારતમાં બની હોય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું આ ત્યારે જ સંભવિત બનશે, જ્યારે તમને તમારા દેશમાં બનેલી વસ્તુઓ પર ગૌરવ થશે. પરિવારમાં બાળકો માટેના રમકડાં, દિવાળીની મૂર્તિઓ, ઘર-સજાવટની વિવિધ વસ્તુઓ, મોબાઈલ ફોન, ટીવી વગેરે વસ્તુઓ ખરીદીએ અને આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એ દેશમાં બન્યું કે નહીં.
તમારી દુકાન પર ખાસ ગર્વથી લખજો આ સ્વદેશી છે
સ્વદેશી વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ ત્યારે આપણા પૈસા દેશમાં રહે છે અને વિદેશમાં જતા બચે છે તે પૈસા આપણા દેશના વિકાસ માટે વપરાય છે અને તે રસ્તાથી રસ્તાઓ, શાળાઓ બનાવવામાં આવે છે. ગરીબ વિધવા બહેન-માતાઓને મદદ મળે છે. તે તમારા સુધી પહોંચે છે. મધ્યમ વર્ગના સપના પૂરા કરવા માટે ઘણા પૈસાની જરૂર પડે છે. આ નાની નાની બાબતો દ્વારા આ પ્રાપ્ત કરી શકાય છે. 22 સપ્ટેમ્બરથી નવરાત્રિના પહેલા દિવસથી ઓછા GST દર પણ લાગુ થવા જઈ રહ્યા છે. આપણે ફક્ત સ્વદેશી ઉત્પાદનો ખરીદીને તેનો લાભ લેવાનો છે. આપણે એક મંત્ર યાદ રાખવો પડશે. હું ઈચ્છું છું કે દરેક દુકાન પર એવું લખેલું હોવું જોઈએ – ગર્વથી કહો કે આ સ્વદેશી છે.