PM મોદીએ આર્ય મહાસંમેલનમાં હાજરી આપી: સ્વામી દયાનંદ સરસ્વતીની કામગીરીના કર્યા વખાણ

નવી દિલ્હી: સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રવાના થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન 2025માં હાજરી આપી હતી. આ સંમેલન જ્ઞાન જ્યોતિ મહોત્સવનો એક ભાગ છે, જે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150 વર્ષની સમાજસેવા નિમિત્તે આયોજિત કરવામાં આવ્યું છે. PM મોદીએ આ પ્રસંગે આર્ય સમાજના યોગદાનની પ્રશંસા કરી અને મહર્ષિ દયાનંદ સરસ્વતીને શ્રદ્ધાંજલિ આપી.
આર્ય સમાજની વૈદિક ઓળખ અને યોગદાન
પીએમ મોદીએ મહાસંમેલને સંબોધતા જણાવ્યું કે, “આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ એ માત્ર કોઈ સંપ્રદાયનો નહીં, પરંતુ સમગ્ર દેશની વૈદિક ઓળખનો પ્રસંગ છે. સ્વામી દયાનંદ સરસ્વતી જાણતા હતા કે ભારતે પ્રગતિ કરવી હોય, તો તેણે માત્ર ગુલામીની જ નહીં, પરંતુ સમાજને બાંધેલી જાતિવાદ, અસ્પૃશ્યતા અને ભેદભાવની સાંકળો પણ તોડવી પડશે.” વડા પ્રધાને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “કમનસીબે, રાજકીય કારણોસર, સ્વતંત્રતા સંગ્રામમાં આર્ય સમાજની ભૂમિકાને તે માન્યતા મળી નથી જેના માટે તે લાયક છે.” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ય સમાજને ‘પ્રખર દેશભક્તોનું સંગઠન’ ગણાવ્યું, જેણે હંમેશા ભારત વિરોધી વિચારસરણી, વિભાજનકારી માનસિકતા અને સાંસ્કૃતિક પ્રદૂષણના પ્રયાસોને પડકાર્યા છે.
આ પણ વાંચો : વર્ચ્યુઅલ ASEAN સમિટમાં PM મોદી: ભારત-આસિયાન સંબંધોને વધુ મજબૂત બનાવવાનો આપ્યો સંદેશ
દયાનંદ સરસ્વતીએ નવા પડકારોનો ઉકેલ આપ્યો
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આધુનિક ભારતમાં મહિલાઓની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “બે દિવસ પહેલા જ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલ ફાઇટર વિમાન ઉડાડ્યું હતું. તેમના સાથી સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ હતા. આજે આપણી દીકરીઓ ફાઇટર વિમાન ઉડાડી રહી છે અને ડ્રોન દીદી બનીને આધુનિક કૃષિને પણ પ્રોત્સાહન આપી રહી છે.” તેમણે ઉમેર્યું કે ભારતને ગર્વ છે કે વિશ્વમાં સૌથી વધુ મહિલા STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) સ્નાતકો ભારતમાં છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ગયા વર્ષે ગુજરાતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ પર આયોજિત કાર્યક્રમને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “200મી જન્મજયંતિની ઉજવણીને બે વર્ષ સુધી ‘અવિરત બૌદ્ધિક યજ્ઞ’ તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. કોઈપણ યુગમાં, જ્યારે નવા પડકારો ઉભા થાય છે, ત્યારે કોઈ મહાન વ્યક્તિત્વ જવાબો સાથે અવતરિત થાય છે. દયાનંદ સરસ્વતી પણ આ મહાન પરંપરાના મહાઋષિ હતા.”
 
 
 
 


