પાકિસ્તાનના ગોળીબારમાં નુકસાન પામેલા ઘર માટે પીએમ મોદીએ સહાયની જાહેરાત | મુંબઈ સમાચાર

પાકિસ્તાનના ગોળીબારમાં નુકસાન પામેલા ઘર માટે પીએમ મોદીએ સહાયની જાહેરાત

શ્રીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ જનસભાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન પાકિસ્તાને કરેલા ગોળીબારમાં જે ઘરનો વધુ નુકસાન થયું હતું તેમને 2 લાખ રૂપિયા અને આંશિક નુકસાન થયેલા ઘરોને એક લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

આ ઉપરાતં વડા પ્રધાને કહ્યું, પહલગામ હુમલાથી જમ્મુ અને કાશ્મીરનો વિકાસ પ્રભાવિત નહીં થાય. આ નરેન્દ્ર મોદીનો વાયદો છે. જો કોઈ અહીંયાના યુવાનોને સપના પૂરા કરવાથી રોકશે તો પહેલા મોદીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત વડા પ્રધાન મોદીએ કહ્યું, જમ્મુ-કાશ્મીરે એટલો વિનાશ જોયો હતો કે લોકોએ સપના જોવાનું બંધ કરી દીધું હતું. તેમણે આતંકવાદને પોતાનું નસીબ માની લીધું હતું. અમે તેમને આ સ્થિતિથી બહાર કાઢ્યા છે. અહીંયાના લોકો જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ફિલ્મોનું શૂટિંગ થતું જોવા ઈચ્છે છે.

આપણ વાંચો:  ભારતમાં હિંસા ફેલાવવા માંગતું હતું પાકિસ્તાન, ઓપરેશન સિંદૂરનું નામ લેતાં જ યાદ આવશે પરાજયઃ પીએમ મોદી

વડા પ્રધાને કહ્યું, અમે આપણા યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરી રહ્યા છીએ. પ્રવાસન આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્ત્વપૂર્ણ સાધન છે. દુર્ભાગ્યવશ આપણું પડોશી રાષ્ટ્ર માનવતા અને પ્રવાસનની વિરુદ્ધ છે. પહલગામની ઘટના માનવતા અને કાશ્મીરિયત પર હુમલો હતી. તેમનો ઉદ્દશ ભારતમાં હિંસા ભડકાવવાનો હતો. તેથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા.

Back to top button