સંસદમાં ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ 5 મહાન રાજાઓને યાદ કર્યા: શું છે રાજકીય સંકેત?

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે. ગઈ કાલે મંગળવારે સરકાર અને વિપક્ષ બંને તરફથી એક બીજા પર પ્રહારો કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાંજે લોકસભામાં હાજર રહ્યા હતાં અને ચાલી રહેલી ચર્ચામાં ભાગ લીધો (PM Modi address in Loksabha) હતો.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત આતંકવાદને સહન નહીં કરે અને કોઈપણ પ્રકારના દબાણ સામે નમશે નહીં. તેમના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતના ઈતિહાસમાં બહાદુરી પૂર્વક લડેલા 5 મહાન રાજાઓના નામ લીધા હતાં.
છત્રપતિ શિવાજી મહારાજ:
લોકસભા ગૃહમાં વડાપ્રધાન મોદીએ મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો ઉલ્લેખ કર્યો, ભારતનો લગભગ કોઈ પણ નાગરિક છત્રપતિ શિવાજી મહારાજના નામથી અજાણ નહીં હોઈ. તેમણે એ સમયના મુઘલ સામ્રાજ્ય સામે લડાઈ ચલાવી હતી. તેઓ શૌર્ય અને પ્રજાપ્રેમના પ્રતિક રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી ખાસ કરીને મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજના નામે રાજકીય લાભ ખાટવાના પ્રયાસો થઇ રહ્યા છે. મરાઠા સમુદાય ભાજપથી નારાજ હોવાના અહેવાલો છે, આવી સ્થિતિમાં ભાજપ શિવાજી મહારાજને હાઈલાઈટ કરીને મરાઠાઓને રીજવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મહારાણા પ્રતાપ:
વડાપ્રધાન મોદીએ લોકસભામાં ભાષણ દરમિયાન રાજસ્થાનના મેવાડના સિસોદિયા વંશના રાજા મહારાણા પ્રતાપ અંગે પણ વાત કરી. તેમની બહાદુરી, બલિદાન અને યુદ્ધ પદ્ધતિઓ ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે નોંધાયેલી છે. મહારાણા પ્રતાપે એ સમયના મુઘલ બાદશાહ અકબરની શરણાગતિ સ્વીકારવાને બદલે તેની સામે વર્ષો સુધી સંઘર્ષ ચલાવ્યો હતો. અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે મહારાણા પ્રતાપ હજારો યુવાનોને પ્રેરણા આપતા રહ્યા.

મહારાજા સુહેલદેવ:
વડાપ્રધાન મોદીએ મહારાજા સુહેલદેવનો પણ ઉલ્લેખ કર્યો. મહારાજા સુહેલદેવ રાજભર 11મી સદીમાં થઇ ગયા, તેઓ એક બહાદુર યોદ્ધા હતા જેમણે વિદેશી આક્રમણકારો સામે લડાઈ લડી અને વિજય મેળવ્યો. બહરાઈચના યુદ્ધમાં તેમણે અફઘાન આક્રમણકાર ગાઝી મિયાં હરાવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં સુહેલદેવના નામે એક રાજકીય પક્ષ પણ છે, જેનું નામ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી છે. વડાપ્રધાન મોદીએ મહારાજા સુહેલદેવને યાદ કરી ઉત્તર પ્રદેશના લોકોને ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે.

મહારાજા રણજીત સિંહ:
વડાપ્રધાન મોદીએ તેમના ભાષણ દરમિયાન શેર-એ-પંજાબ તરીકે જાણીતા મહારાજા રણજીત સિંહનો ઉલ્લેખ કર્યો, તેઓ એક મહાન શાસક અને યોદ્ધા તરીકે જાણીતા છે. તેમણે 19મી સદીમાં પંજાબને એક કર્યું અને શીખ સામ્રાજ્યની સ્થાપના કરી. રણજીત સિંહે પંજાબમાં અંગ્રેજો સામે લાંબી લડાઈ ચલાવી હતી. રણજીત સિંહ શીખ સમુદાય માટે આદરણીય છે અને પ્રેરણાના સ્ત્રોત છે. વર્ષ 2027માં પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભાજપ રણજીત સિંહને સન્માન આપી શીખ સમુદાયને આકર્ષવા પ્રયત્નો કરી રહ્યું છે.

લચિત બોરફૂકન:
લોકસભામાં તેમના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ આસામના બહાદુર યોદ્ધા લચિત બોરફૂકનનો પણ ઉલ્લેખ કર્યો હતો. લચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યના સેનાપતિ હતા, તેમણે 1671માં સરાઈઘાટના યુદ્ધમાં મુઘલોને પછાડ્યા હતાં. લચિત બોરફૂકનને આસામમાં બહાદુરી પ્રતીક માનવામાં આવે છે. તેમની યાદમાં આસામમાં 24 નવેમ્બરે લચિત દિવસ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો…POK કેમ પાછું ના લીધું? PM મોદીનો કોંગ્રેસને રોકડો જવાબ, તક કોણે આપી?
