સંસદ બહાર PM કર્યું સંબોધન, ચોમાસુ સત્રને રાષ્ટ્રીય ગૌરવ અને વિજયોત્સવનું પ્રતીક ગણાવ્યું | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

સંસદ બહાર PM કર્યું સંબોધન, ચોમાસુ સત્રને રાષ્ટ્રીય ગૌરવ અને વિજયોત્સવનું પ્રતીક ગણાવ્યું

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ચૂક્યું છે. કેન્દ્ર સરકાર આ સત્રમાં કુલ 8 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે. આ સત્ર આજથી શરુ થશે આ ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું. જે બાદે સત્રને લંબાવ્યુ હતું, એટલે હવે ચોમાસુ સત્ર 19 ઓગસ્ટ સુધી ચાલશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ બહાર પત્રકારોને સંબોધતા દેશની પ્રગતિ, ઓપરેશન સિંદૂર અને અવકાશ મિશનની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો. તેમણે આ સત્રને રાષ્ટ્રીય ગૌરવ અને વિજયોત્સવનું પ્રતીક ગણાવ્યું.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ સત્ર દેશની પ્રગતિ અને વિજયની ઉજવણીનું પ્રતીક છે. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરી ભારતીય સૈન્યની શક્તિની પ્રશંસા કરી હતી. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેના દ્વારા નક્કી કરાયેલ લક્ષ્ય 100% પ્રાપ્ત થયું. ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓને તેમના ઘરે જઈને 22 મિનિટમાં જમીનદોસ્ત કર્યા.

પીએમ મોદીએ એસ્ટ્રોનોટ શુભાંશુને અભિનંદન આપ્યા, જેમણે ISS પર ભારતીય તિરંગો ફરકાવી દેશનું ગૌરવ વધાર્યું. તેમણે આને વિજ્ઞાન અને ટેકનોલોજીની યાત્રામાં નવો અધ્યાય ગણાવ્યો. મોદીએ લોકસભા અને રાજ્યસભાને એક સ્વરમાં દેશની સિદ્ધિઓની પ્રશંસા કરવા આહ્વાન કર્યું, જે આ સત્રને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનાવે છે.

આર્થિક પ્રગતિ અને સ્થિરતા

મોદીએ જણાવ્યું કે 2014 પહેલાં ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 10મા ક્રમે હતું, પરંતુ આજે તે ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનવાની નજીક છે. છેલ્લા દાયકામાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ફુગાવો, જે અગાઉ બે આંકડામાં હતો, તે હવે 2%ની નજીક છે, જે સામાન્ય નાગરિકોને રાહત આપે છે. ઓછો ફુગાવો અને ઉચ્ચ વૃદ્ધિ દેશની વિકાસ યાત્રાને મજબૂત કરે છે.

નક્સલવાદ સામે મળી સફળતા

વડાપ્રધાને આતંકવાદ અને નક્સલવાદ સામેની લડાઈની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો. નક્સલવાદનો વ્યાપ ઝડપથી ઘટી રહ્યો છે, અને દેશના સેંકડો જિલ્લાઓ હવે સ્વતંત્રતાનો શ્વાસ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે જે વિસ્તારો અગાઉ લાલ કોરિડોર તરીકે ઓળખાતા હતા, તે હવે લીલા કોરિડોરમાં ફેરવાઈ રહ્યા છે. બંધારણની શક્તિ બંદૂકો અને હિંસા સામે વિજયી બની રહી છે, જે દેશના ઉજ્જ્વળ ભવિષ્યનો સંકેત આપે છે.

આ પણ વાંચો…સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ, વિપક્ષ ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામ જેવા મુદ્દે સરકારને ઘેરશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button