નેશનલસ્પોર્ટસ

પાકિસ્તાનને ચૂપ રહેવાની તક હતી ત્યારે એણે આતંકવાદીઓને છાવરવા યુદ્ધ પસંદ કર્યુંઃ સેહવાગ

ભૂતપૂર્વ ઓપનર તેમ જ વિરાટ, રોહિત, શ્રીકાંત, શિખર, સિંધુ, પાર્થિવ સહિત અનેક ખેલાડીઓએ ભારતીય સશસ્ત્ર દળોની ભરપૂર પ્રશંસામાં શું કહ્યું, જાણી લો…

નવી દિલ્હીઃ ભારતીય સંરક્ષણ ક્ષેત્રના જવાનોએ પાકિસ્તાનના આતંકવાદી મથકો પર સચોટપણે અને સફળતાથી આક્રમણ કર્યું તેમ જ પાકિસ્તાની લશ્કરને વળતો જવાબ પણ આપ્યો અને તેમના હુમલા સામે 100 ટકા સફળતા મેળવી એ બદલ વીરેન્દર સેહવાગ, વિરાટ કોહલી, રોહિત શર્મા, કે. શ્રીકાંત, શિખર ધવન, પાર્થિવ પટેલ સહિત અનેક ક્રિકેટરો, (cricketers), બૅડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુ તેમ જ ભાલાફેંકના ઑલિમ્પિક ચૅમ્પિયન તથા ભારતીય લશ્કરના સુબેદાર નીરજ ચોપડાએ ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લૅટર્ફોર્મ પર દેશના સશસ્ત્ર દળો (Indian armed forces)ની ખૂબ પ્રશંસા કરી છે તેમ જ તેમને મજબૂત નૈતિક ટેકો આપ્યો છે.

આપણ વાંચો: સેહવાગે ઑપરેશન સિંદૂર’ની વાહ-વાહ કરતા કહ્યું,અગર કોઈ આપ પર પત્થર ફેંકે તો…

પીટીઆઇના અહેવાલ મુજબ સેહવાગે એક્સ' પર લખ્યું હતું કે પાકિસ્તાનને જ્યારે ચૂપ રહેવાનો મોકો હતો ત્યારે એણે યુદ્ધ પસંદ કર્યું. પાકિસ્તાને પોતાના આતંકવાદીઓની અસ્ક્યામતો બચાવવા યુદ્ધ છેડ્યું અને વધારી પણ દીધું. આ બધુ પાકિસ્તાનનો બદઇરાદો છતો કરે છે. આપણા જવાનોએ પાકિસ્તાનને બરાબર વળતો જવાબ આપ્યો. ભારતે એવો જડબાતોડ જવાબ આપ્યો કે જે પાકિસ્તાન ક્યારેય નહીં ભૂલે.’


ભારતીય દળોને કોણે કયા શબ્દોમાં બિરદાવ્યા? (Praised, strong support)

વિરાટ કોહલીઃ મુશ્કેલ સમયમાં બાહોશ થઈને દેશને રક્ષણ આપવા બદલ આપણા સશસ્ત્ર દળોને સલામ. અમે બધા તમારી પડખે છીએ જ. આપણા મહાન દેશ માટે જવાનો અને તેમના પરિવારોએ જે બલિદાનો આપ્યા છે એ બદલ આપણે કાયમ તેમના ઋણી રહીશું. આતંકવાદ સામે લડી રહેલા આપણા આ હીરો, આપણા આ બહાદુર સશસ્ત્ર દળો પર આપણને ખૂબ ગર્વ છે.

રોહિત શર્માઃ હું આપણા સશસ્ત્ર દળો માટે પ્રત્યેક ક્ષણે અને દરેક નિર્ણય બદલ અત્યંત ગર્વ અનુભવું છું. આપણા લશ્કર, હવાઈ દળ અને નૌકા દળના યોદ્ધાઓ આપણા દેશને ગૌરવ અપાવવા ખડેપગે છે. આ બધુ જોતાં પ્રત્યેક ભારતીય પોતાની જવાબદારી સમજે અને કોઈ પણ ખોટા સમાચાર માનવાનું ટાળે તેમ જ એવા સમાચાર ફેલાવાથી દૂર રહે એ પણ ખૂબ જરૂરી છે. સૌ સલામત રહે એવી શુભેચ્છા! ઑપરેશન સિંદૂર…જય હિંદ.

કૃષ્ણમાચારી શ્રીકાંતઃ સરહદ પર આપણી રક્ષા કરતા આપણા સૈનિકો પર આપણને ખૂબ ગર્વ છે અને તેઓ દરેક અભિયાનમાં સફળ થાય એવી પ્રાર્થના કરું છું. આપણે બધાએ દેશમાં એક્તા જાળવીને તેમ જ જવાનો પર વિશ્વાસ કાયમ રાખીને તેમની પડખે રહેવાનો આ સમય છે. બહાદુર સૈનિકો કપરા કાળમાં આપણી ધરતીનું રક્ષણ કરીને દુનિયાને અનેરું દૃષ્ટાંત બતાવી રહ્યા છે. જય હિંદ. જાઓ, ફતેહ કરો.

પી. વી. સિંધુઃ ભારતીય સશસ્ત્ર દળોના બહાદુર પુરુષો અને મહિલાઓ માટે કહેવા માગું છું કે તમારી શક્તિ, શિસ્ત અને બલિદાન આપણા દેશનો આત્મા છે. આખું ભારત તમારી પડખે છે. જય હિંદ.

નીરજ ચોપડાઃ આતંકવાદ સામે લડતા આપણા બહાદુર સૈનિકો પર આપણને ખૂબ ગર્વ છે. ચાલો, આપણે બધા આપણી ફરજ બજાવીએ અને માર્ગદર્શિકાઓને અનુસરીએ કે જેથી આ કપરા કાળમાં સૌ સલામત રહે.

શિખર ધવનઃ ગજબની તાકાત બતાવીને જમ્મુ પરના ડ્રૉન આક્રમણને ખાળીને આપણી સરહદોને સલામત રાખવા બદલ આપણા બે્રવ-હાર્ટ સૈનિકોને સલામ કરું છું. ભારત શક્તિશાળી દેશ છે અને હંમેશાં રહેશે. જય હિંદ.

પાર્થિવ પટેલઃ આપણા બહાદુર સશસ્ત્ર દળોએ આપણા દેશનું રક્ષણ કર્યું છે અને હવે આપણી ફરજ બને છે કે આપણે સૌ કોઈ તેમની પડખે રહીએ અને તેમનો નૈતિક જુસ્સો વધારીએ. સૈનિકો, અમે તમારી સાથે જ છીએ અને સદા રહીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button