
નવી દિલ્હી: અમેરિકા દ્વારા ભારત રશિયા સાથે તેલ ખરીદી રહ્યું છે, તેને એક મોટો મુદ્દો બનાવીને વિવાદ સર્જાવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે શુક્રવારે પશ્ચિમી દેશો પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જ્યારે યુરોપિયન દેશો પોતે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે અમેરિકા પ્રતિબંધોમાંથી મુક્તિ માંગી રહ્યા છે, ત્યારે ભારતને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે? બર્લિન ગ્લોબલ ડાયલોગ કોન્ફરન્સમાં યુકેના વેપાર પ્રધાન ક્રિસ બ્રાયન્ટ સાથેની ચર્ચા દરમિયાન, ગોયલે એવા પ્રશ્નો પૂછ્યા જેણે નેતાઓને ચોંકાવી દીધા હતા.
ગોયલે કહ્યું, “મેં આજના અખબારમાં વાંચ્યું કે જર્મની અમેરિકા પ્રતિબંધોમાંથી તેલ મુક્તિ માંગી રહ્યું છે. બ્રિટનને પહેલેથી જ એક મળી ચૂક્યું છે. તો ભારતને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે?” તો તેના જવાબમાં પ્રધાન બ્રાયન્ટે કહ્યું, “ના, ના,” અને કહ્યું કે તેમના દેશની યુએસ મુક્તિ ફક્ત ચોક્કસ રોઝનેફ્ટ પેટાકંપનીને લાગુ પડે છે. આ સાંભળીને, ગોયલે તરત જ જવાબ આપ્યો, “અમારી પાસે પણ રોઝનેફ્ટ પેટાકંપની છે… ભારત કેમ…?”
ગોયલની ટિપ્પણી તેવા સમયે આવી છે કે જ્યારે અમેરિકા અને તેના સહયોગી દેશો ભારત પર રાશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદીના મુદ્દે દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત મહિને ટ્રમ્પે ભારત પર 50 ટકા અતિરિક્ત ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ભારત સરકારે આ ટેરિફનો આકરો વિરોધ નોંધાવ્યો હતો. ટ્રમ્પ પ્રસાશને તર્ક આપતા કહ્યું હતું કે આ દબાણથી રશિયા આર્થિક રીતે નબળું પડશે અને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળી રહેશે.
પિયુષ ગોયલે ભારતની સ્વતંત્ર વેપાર નીતિ પર ભાર મૂકતા કહ્યું કે દેશ કોઈ “દબાણ કે સમયમર્યાદા” હેઠળ કરારો કરતો નથી. તેમણે કહ્યું, “અમે ક્યારેય સમયમર્યાદા કે માથા પર બંદૂક તાકીને વેપાર કરારો કરતા નથી. જો કોઈ ટેરિફ લાદે છે, તો તેમને તેમ કરવા દો. અમે નવા બજારો શોધી રહ્યા છીએ, સ્થાનિક માંગને મજબૂત બનાવી રહ્યા છીએ અને લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતા બનાવી રહ્યા છીએ.”
આ પણ વાંચો…વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન, કહ્યું ભારત કોઈ પણ દબાણમાં ટ્રેડ ડીલ નહી કરે…



