Bageshwar Dham જઇ રહેલા શ્રદ્ધાળુઓને નડયો અકસ્માત, 7 ના મોત

છતરપુર: મધ્યપ્રદેશના છતરપુરમાં મંગળવારે એક ખૂબ જ દર્દનાક અકસ્માત થયો. બાગેશ્વર ધામ(Bageshwar Dham)જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રીક્ષા ઉભી રહેલી ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા તમામ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. મહોબાથી ઓટો રીક્ષામાં બેસીને બધા બાગેશ્વર ધામ જવા રવાના થયા.
બે લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા
આ અકસ્માત NH 39 પર કાદરી પાસે સવારે લગભગ 5 વાગ્યે થયો હતો. તમામ શ્રદ્ધાળુઓ છતરપુર રેલવે સ્ટેશનથી ઓટો રીક્ષા માં બેસીને બાગેશ્વર ધામ જઈ રહ્યા હતા. ત્યારે ઓટો રીક્ષા રસ્તાના કિનારે ઉભી રહેલી ટ્રકને અથડાઇ ગઈ હતી. ઓટો રીક્ષાની સ્પીડ એટલી વધારે હતી કે ટ્રકને અથડાયા બાદ ઓટો રીક્ષામાં બેસેલા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. ચાર લોકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માતમાં મુંડન કરાવનાર બાળકીનું પણ મૃત્યુ
અકસ્માતનો ભોગ બનેલા પરિવારની ઓળખ કરવામાં આવી છે જેઓ લખનૌના છે. જેમાં પરિવાર તેમની એક વર્ષની પુત્રીના મુંડન માટે બાગેશ્વર ધામ જઈ રહ્યો હતો. પરંતુ રસ્તામાં તેમનો અકસ્માત થયો. આ અકસ્માતમાં મુંડન કરાવનાર બાળકીનું પણ મોત થયું છે. તેના પિતાએ પણ જીવ ગુમાવ્યો છે જ્યારે બે બહેનો અને માતા ગંભીર રીતે ઘાયલ થયા છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ઓટો ડ્રાઈવર ઉંઘમાં હોવાને કારણે તે રસ્તાના કિનારે પાર્ક કરેલી ટ્રક જોઈ શક્યો ન હતો. જેના લીધે ઓટો રીક્ષા ઉભી રહેલી ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટો રીક્ષામાં બેઠેલા અનેક લોકો રસ્તા પર પડી ગયા હતા. ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ અને વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોની ખબર-અંતર પૂછવા માટે અધિકારીઓએ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.