ઇન્ડિગોની ફ્લાઇટમાં ઘૂસ્યું કબૂતર: સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ…

બેંગલુરુ: ઇન્ડિગો એરલાઈન્સ હાલ મોટા પકડારનો સામનો કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં સર્જાયેલી ફ્લાઇટ કેન્સલની સમસ્યાને લઈને તેના અનેક મુસાફરો હેરાન થયા છે. આ સાથે કંપનીને પણ ઘણું નુકસાન થયું છે. એવામાં આજે ઇન્ડિગોની બેંગલુરુથી વડોદરા આવી રહેલી ફ્લાઇટમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફ્લાઇટમાં ઘૂસ્યું કબૂતર
બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી આજે ઇન્ડિગોની એક ફ્લાઇટ વડોદરા આવવા માટે રવાના થઈ હતી. પરંતુ ટેકઓફ પહેલા ફ્લાઇટમાં એક એવી ઘટના બની હતી. જેનાથી અંદર બેસેલા મુસાફરો પરેશાન થયા હતા. ટેકઓફ પહેલા એક કબૂતર ફ્લાઇટમાં ઘૂસી આવ્યું હતું. જેથી યાત્રીઓ અને ક્રૂ મેમ્બર મૂંઝવણમાં મુકાયા હતા.
કબૂતરે ફ્લાઇટમાં ઉડવાનું શરૂ કર્યું હતું. તે મુસાફરોના માથા ફરતે ઉડી રહ્યું હતું. પરંતુ તેને બહાર નીકળવાનો રસ્તો મળી રહ્યો ન હતો. કેટલાક યાત્રીઓએ તથા ક્રુ મેમ્બરે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કબૂતર હાથમાં આવતું ન હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો ફ્લાઇટમાં સવાર વિક્રમ પારેખ નામના એક યાત્રીએ રેકોર્ડ કર્યો હતો.
કબૂતર પાસે બોર્ડિંગ પાસ છે
વિક્રમ પારેખે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર શેર કર્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, “ફ્લાઇટમાં સરપ્રાઇઝ ગેસ્ટ, ખુશી અને આનંદની ક્ષણ.” વિક્રમ પારેખે શેર કરેલો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે.
વિક્રમ પારેખની પોસ્ટમાં એક યુઝરે લખ્યું કે, આજે તેણે 900 કિમી/કલાકની ઝડપે ઉડવાનું નક્કી કર્યું છે. બીજા યુઝરે લખ્યું કે, કબૂતર પાસે બોર્ડિંગ પાસ છે. ત્રીજા યુઝરે લખ્યું કે, હવે ઇન્ડિગો આ એક્સ્ટ્રા વેઇટ માટે કોની પાસે પૈસા લેશે. ચોથા એક યુઝરે લખ્યું કે, પંછી બનું ઉડતા ફિરું ઇસ પ્લેન મે…
ઇન્ડિગોએ રૂ. 610 કરોડ રિફંડ કર્યા
ઉલ્લેખનીય છે કે, ફ્લાઇટ કેન્સલ થવાના કારણે ઇન્ડિગોએ યાત્રીઓને રિફંડ કરવાની જાહેરાત કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યાનુસાર, ઇન્ડિગોએ અત્યારસુધી 610 કરોડ રૂપિયા ચૂકવવાની પ્રક્રિયા કરી છે. ઇન્ડિગો ફરીથી પોતાની ફ્લાઇટના સંચાલનને સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે કંપનીએ જણાવ્યું હતું કે, તે આજે 1800 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. જે તેના નેટવર્કના તમામ 138 સ્ટેશનોને જોડે છે.
આ પણ વાંચો…ઇન્ડિગો એરલાઈન્સની 1800 ફ્લાઈટ સંચાલિત , મુસાફરોએ રાહત અનુભવી



