મૃત મહિલાના ચૂંટણી કાર્ડ પર બ્રાઝિલિયન મોડેલનો ફોટો જોઈને ચોંક્યો પરિવાર: કાર્યવાહીની કરી માંગ

ચંડીગઢ: રાહુલ ગાંધીએ વોટ ચોરીને લઈને નવા ખુલાસા કર્યા છે અને એક બ્રાઝિલિયન મોડેલે 22 જગ્યાએ મતદાન કર્યાનો દાવો કર્યો છે. રાહુલ ગાંધીના જણાવ્યાનુસાર, આ કથિત બ્રાઝિલિયન મોડેલે રાય વિધાનસભા મતવિસ્તારમાંથી વિમલા, સરોજ અને ગુનિયા નામની ત્રણ મહિલાઓના નામે મતદાન કર્યું હતું. ત્યારે હવે આ ત્રણેય મહિલાઓના પરિવારજનોએ પોતાના દસ્તાવેજોમાં થયેલી ગરબડીને લઈને મોટા ખુલાસા કર્યા છે અને આ અંગે કાર્યવાહી થાય એવી માંગણી કરી છે.
એક બ્રાઝિલિયન મોડેલના ફોટો સાથે ખોટો ઘર નંબર
હરિયાણાના રાય વિધાનસભા મતવિસ્તારમાંથી વિમલા, સરોજ અને ગુનિયા નામના ત્રણ મતદારોના ચૂંટણી કાર્ડમાં એક બ્રાઝિલિયન મોડેલના ફોટો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે, આ ત્રણેય મહિલાઓના પરિવારોએ આ બનાવટને છેતરપિંડી જાહેર કરી છે. વિમલાના પુત્રએ પુષ્ટિ કરી કે એક રહસ્યમય મતદાર તેની માતાના નામે નોંધાયેલ છે, જેનો EPIC નંબર અલગ છે, પરંતુ ઘર નંબર વિમલાના ઘરનો જ છે. વિમલાને લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવામાં કોઈ સમસ્યા નહોતી. પરંતુ તેમના ઘર નંબર સામે નોંધાયેલું ખોટું ઓળખ કાર્ડ છેતરપિંડી છે.
મતદારયાદીમાં હજુ પણ છે મૃત ગુનિયાનું નામ
વિમલા સિવાય સરોજ અને ગુનિયા નામની મહિલાના ઓળખપત્ર પર પણ બ્રાઝિલિયન મહિલાનો ફોટો દેખાય છે. સરોજના પરિવારે દાવો કર્યો છે કે, લગ્ન પછી તેનું નામ ભિવાની વિધાનસભા મતવિસ્તારમાં ઉમેરવામાં આવ્યું છે. સરોજે 2001થી રાય વિધાનસભા મતવિસ્તારમાં મતદાન કરવા આવી નથી. આ સિવાય ગુનિયાનું માર્ચ 2022માં અવસાન થયું હતું. જોકે, તેમ છતાં ગુનિયાનું નામ મતદાર યાદીમાં દેખાઈ રહ્યું છે. જેમાં પણ બ્રાઝિલિયન મહિલાનો ફોટો દેખાય છે. ગુનિયાનો પરિવાર મૂંઝવણમાં છે કે મૃત્યુ પછી પણ ગુનિયાનો ફોટો હજી યાદીમાં કેવી રીતે છે અને તેના પર ખોટો ફોટો કેમ દેખાઈ રહ્યો છે?
પરિવારોએ કરી કાયદેસર કાર્યવાહીની માંગ
આમ, ત્રણેય મહિલાઓના પરિવારજનો આશ્ચર્યચકિત છે કે તેમની જાણ બહાર તેમના ચૂંટણી કાર્ડ સાથે આટલી મોટી છેતરપિંડી કરવામાં આવી છે. મૃત મહિલાનું નામ હજુ પણ મતદાર યાદીમાં ચાલી રહ્યું છે તથા મતવિસ્તાર છોડીને ગયેલી મહિલાનું નામ પણ જૂની યાદીમાં જુદા જ ફોટો સાથે ચાલી રહ્યું છે. આ ત્રણેય મહિલાઓના પરિવારજનોએ રાહુલ ગાંધીના દાવાને ટેકો આપ્યો અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. જોકે, આ ત્રણેય કિસ્સાઓએ ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે, જેના પર રાજકીય ગરમાવો વધી રહ્યો છે.



