Petrol-Diesel: મેરઠમાં પકડાઈ નકલી પેટ્રોલ-ડીઝલની ફેક્ટરી, એક દિવસની કમાણી હતી અધધ…
Latest Meerut News: મેરઠના ગેઝા ગામમાં એક એકરમાં બનેલી નકલી પેટ્રોલ-ડીઝલની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. અસલી પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાં ભેળસેળ કરવામાં આવતી હતી અને આરોપીઓ દરરોજ છ લાખ રૂપિયા કમાતા હતા. આ મામલે પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે. જમીનની અંદર મોટા ટેંકર સેટઅપ કરવામાં આવ્યા હતા, જેમાં હાઈડ્રોકાર્બન સોલ્વેંટ મિક્સ કરવામાં આવતું હતું.
મેરઠ પોલીસે ગુપ્ત જાણકારી બાદ ગેઝા ગામના ગોડાઉનમાં દરોડો પાડ્યો અને ફેક્ટરીને સીલ કરી હતી. પોલીસે દરોડો પાડતાં જ ફેક્ટરી માલિક મનીષ અને તેના સાથીએ ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. ફેક્ટરીમાં કામ કરતાં છ લોકો ઉપરાંત એચપીસીએલ ડેપોથી ટેન્કર લાવતાં બે ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી છે.
મેરઠના એસપી સિટી આયુષ વિક્રમ સિંહ મુજબ, થોડા મહિનાથી મેરઠ-ગાઝિયાબાદ બોર્ડર પર ગેઝા ગામમાં મનીષ નામનો એક વ્યક્તિ પેટ્રોલમાં ભેળસેળ કરતો હોવાની માહિતી મળી હતી. જે બાદ તેના પર વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે મેરઠમાં HPCL પેટ્રોલ-ડીઝલના વેરહાઉસમાંથી એક ટેન્કર નીકળ્યું છે. આ પછી જ્યારે ટેન્કર રસ્તામાં રોકાઈ ગયું, ત્યારે ડ્રાઈવરે જીપીએસ કાઢીને કોઈને આપ્યું. જે પછી ટેન્કર ગેઝા ગામમાં મનીષના ગોદામ સુધી પહોંચ્યું હતું.
આ પણ વાંચો : SEBI ચેરપર્સન માધબી પુરી પુછપરછ માટે PAC સમક્ષ હાજર ના થયા, આપ્યું આવું કારણ
મનીષ અગાઉ દિલ્હીમાં એક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો, તે જાણતો હતો કે જો ડીઝલમાં થોડી માત્રામાં હાઈડ્રોકાર્બન સોલવન્ટ અને થિનર ભેળવવામાં આવે તો કોઈને શંકા નહીં થાય. આ પછી તેણે મેરઠમાં ડીઝલ પેટ્રોલ વેરહાઉસમાં કામ કરતા ડ્રાઈવરનો સંપર્ક કર્યો અને તેની સાથે ચર્ચા કરી. ડ્રાઈવરો વેરહાઉસમાંથી ટેન્કર લઈને જીપીએસ કાઢીને મનીષના વેરહાઉસમાં આવતા હતા. વેરહાઉસમાં અગાઉથી જ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. મનીષ દિલ્હી એનસીઆરમાંથી હાઇડ્રોકાર્બન સોલવન્ટ, થિનર અને કેટલાક રસાયણો મંગાવતો હતો અને તેને અહીં અંડરગ્રાઉન્ડ સ્ટોર કરતો હતો.
લગભગ 20 હજાર લીટર ડીઝલ-પેટ્રોલનું ટેન્કર આવે કે તરત જ તેમાંથી 1000 લીટર અસલ ડીઝલ-પેટ્રોલ કાઢીને, તેટલા જ પ્રમાણમાં મિશ્ર સોલવન્ટ ઉમેરીને ટેન્કરને પેટ્રોલ પંપ પર મોકલી આપવામાં આવતું હતું. પેટ્રોલ અને ડીઝલના ટેન્કરોને ત્રણ સ્તરના દરવાજા ઓળંગીને વેરહાઉસની અંદર બોલાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, આ રીતે પેટ્રોલ અને ડીઝલની ચોરી કરીને અને તેમાં નકલી તેલ ભેળવીને, વેરહાઉસ માલિક મનીષ તેના સાગરિતો રોજના 6 લાખ રૂપિયાની કમાણી કરતા હતા. પોલીસ હાલ આ કાળા કારોબારમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે શોધી રહી છે.