પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું: કેન્દ્ર સરકારે આપ્યા સંકેત!
ટોપ ન્યૂઝનેશનલ

પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું: કેન્દ્ર સરકારે આપ્યા સંકેત!

નવી દિલ્હી: ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. જૂન મહિનમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. તેથી ઈરાનથી ઇંધણનો સપ્લાય અટક્યો હતો. આ કારણોસર ભારતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધશે એવી સંભાવના ઊભી થઈ હતી. પરંતુ, હવે સરકારના કેબિનેટ પ્રધાને ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘડાટો થશે એવી વાત કરી છે.

ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર છે
આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ‘ઉર્જા વાર્તા-2025’ નામનો હાઇડ્રોકાર્બન ક્ષેત્રનો દેશનો સૌથી મોટો સેમિનાર યોજાયો હતો. જેમાં કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, “અમે આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યાં પણ ઇંધણ મળી રહ્યું છે, ત્યાંથી અમે જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છીએ. ભવિષ્યમાં પણ અમે ખરીદી કરતા રહીશું. જ્યાં સુધી કોઈપણ એક દેશ પાસેથી તેલ ખરીદવાની વાત છે, ત્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના પૂરતા વેચાણકર્તાઓ છે અને ભારતમાં પણ પૂરતો તેલ ભંડાર છે.”

રશિયા બન્યું ભારતમાં ક્રુડ ઓઇલનું સપ્લાયર
ભારત તેની જરૂરિયાતનું 85 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે. રિફાઇનરીમાં તેને પેટ્રોલ-ડિઝલમાં રૂપાંતરીત કરવામાં આવે છે. જોકે, પરંપરાગત રીતે પશ્ચિમ એશિયા ક્રૂડ ઓઇલનું મુખ્ય સ્ત્રોત હતું, પરંતુ રશિયા લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં ક્રૂડ ઓઇલનું મુખ્ય સપ્લાયર બની ગયું છે.

હરદીપ સિંહ પુરીએ આગળ જણાવ્યું હતું કે, “યુક્રેન સાથેના યુદ્ધ બાદ પશ્વિમી દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે. તેથી રશિયાએ ડિસ્કાઉન્ટ આપીને પોતાના ક્રૂડ ઓઇલનું વેચાણ શરૂ કર્યું છે. જેનો ભારતની રિફાઇનિંગ કંપનીઓએ લાભ લીધો છે. આજે ભારત રશિયા પાસેથી પોતાની જરૂરિયાતનું 40 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરી રહ્યું છે.”

ત્રણ-ચાર મહિનામાં ભાવ ઘટી શકે છે
પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ અંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાને જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ પ્રતિ બેરલ $67 હતો. જો હાલની વૈશ્વિક પરિસ્થિતિ આવી જ રહેશે અને ક્રૂડ ઓઇલની કિંમત $65 ની આસપાસ રહેશે, તો દેશમાં પેટ્રોલ-ડીઝલ જેવા પેટ્રોલિયમ ઉત્પાદનોનો છૂટક ભાવ ત્રણથી ચાર મહિનામાં ઘટી શકે છે.”

જો અમેરિકા ભારે ડ્યુટી લાદશે તો…
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવા અંગેની અમેરિકાની ધમકીને લઈને કહ્યું હતું કે, “વિશાળ વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં, છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ લગભગ સ્થિર રહ્યા છે. પરંતુ, જો અમેરિકા રશિયા પાસેથી ક્રુડ ઓઇલની આયાત કરવા પર કોઈપણ પ્રકારની ભારે ડ્યુટી લાદશે, તો આપણે ફરીથી રશિયા સાથે ક્રુડ ઓઇલ સપ્લાયના જૂના માળખાનું અનુસરણ કરીશું. 2022 પહેલા ભારત રશિયા પાસેથી 2 ટકા કરતાંય ઓછા ક્રુડ ઓઇલની આયાત કરતું હતું.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button