સાવરકરની તસવીરો હટાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: અરજદારને ચેતવણી આપી

નવી દિલ્હીઃ દેશની વડી અદાલતે મંગળવારે સંસદ અને અન્ય જાહેર સ્થળો પરથી વિનાયક દામોદર સાવરકરની તસવીરો દૂર કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમજ અરજદારને ખખડાવ્યા હતા અને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપતા પહેલા ભારે દંડ ફટકારવાની ચેતવણી આપી હતી.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વિપુલ એમ પંચોલીની ખંડપીઠે અરજદાર, નિવૃત ભારતીય મહેસૂલ સેવા(આઇઆરએસ) અધિકારી બી બાલમુરુગનને આવી વ્યર્થ અરજીઓ દાખલ કરવા સામે ચેતવણી આપી હતી. તેમજ સંકેત આપ્યો હતો કે કોર્ટનો સમય વેડફવા બદલ ભારે દંડ ફટકારવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભણશે PM મોદીના પુસ્તક ‘જ્યોતિપુંજ’ અને સાવરકરની આત્મકથા, જાણો સિલેબસ
સીજેઆઇએ કહ્યું કે આ પ્રકારની વ્યર્થ અરજી… માનસિકતા દર્શાવે છે. ખંડપીઠ અરજદારની એ વાતથી નારાજ હતી કે નાણાકીય મુશ્કેલીઓને કારણે પોતે કેસની દલીલ કરવા માટે આવી શક્યો ન હતો. સીજેઆઇએ કહ્યું કે તમે આઇઆરએસમાં હતા. તમે દિલ્હી આવીને તમારી જાતને રજૂ કરી શકો છો અને દલીલ કરી શકો છો. અમે તમને ભારે દંડ ફટકારવા માંગીએ છીએ. તમે તમારી જાતને શું સમજો છો?
બાલમુરુગને તેની પીઆઇએલ(જાહેર હિતની અરજી)માં સંસદના સેન્ટ્રલ હોલ અને અન્ય જાહેર સ્થળોએથી આ ઐતિહાસિક વ્યક્તિના ફોટોગ્રાફ્સ દૂર કરવાના નિર્દેશ આપવાની માંગણી કરી હતી. ઉપરાંત અરજીમાં સરકારને એવી વ્યક્તિઓને સન્માનિત કરવાથી રોકવાના આદેશ આપવાની માંગ કરવામાં આવી હતી કે જેના પર હત્યા અથવા રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ જેવા ગંભીર ગુનાઓ માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય અને જ્યાં સુધી તેને નિર્દોષ જાહેર કરવામાં ન આવે.
સુનાવણી દરમિયાન સીજેઆઇએ અરજદારના બેકગ્રાઉન્ડ અને સર્વિસ રેકોર્ડ અંગે પણ સવાલો કર્યા હતા. સીજેઆઇએ કહ્યું કે કૃપા કરીને આ બધા ચક્કરમાં ન પડો. હવે તમે તમારી નિવૃતિનો આનંદ માણો. સમાજમાં કંઇક રચનાત્મક ભૂમિકા ભજવો. આખરે પરિણામનું ભાન થતાં બાલામુરુગને અરજી પાછી ખેંચવાની પરવનાગી માંગી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી.



